28 October 2018

ભીખાભાઈ ભજીયાવાળા ફરસાણની દુકાનમાં પુરવઠાના દરોડા


નવસારી શહેર મામલતદારના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર અને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મળેલી ફરિયાદના આધારે શુક્રવારે શહેરના જાણીતા ભીખાભાઈ ભજીયાવાળા એન્ડ સન્સના ગોડાઉન ઉપર દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન જરૂરી દસ્તાવેજો જાળવવામાં આવ્યા ન હોવાનું અને 440 લીટર નિઓસોલનો જથ્થાની કોઈ માહિતી ન હોવાથી તેને સીઝ્ડ કરવામાં આવ્યો હતો. તહેવારોના દિવસોમાં શહેર મામલતદારની ટીમના દરોડાથી શહેરાઅ અન્ય ફરસાણ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો હતો.

નવસારી શહેર મામલતદાર ડી. આઈ. પટેલને મળેલી ફરિયાદના આધારે શુક્રવારે બપોરે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમ સાથે શહેરના જાણીતા ભીખાભાઈ ભજીયાવાળા એન્ડ સન્સ પ્રા. લિ. ના ગોડાઉન ઉપર દરોડા પાડયા હતા. દરોડાની કામગીરી દરમિયાન દુકાનદાર દ્વારા ફરસાણના ઉત્પાદન સંદર્બે હિસાબી રેકોર્ડ રાખવામાં આવ્યો ન હોવાનું જણાયું હતું, જેમાં સ્ટોક રજીસ્ટર તથા વપરાશ અંગેના રજીસ્ટરને નિભાવવામાં આવ્યું ન હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.

સાથે જ ગોડાઉનમાં પતરાના બેરલોમાં ભરેલો 440 લીટર નિઓસોલના જથ્થાની પણ કોઈ જાણ કરવામાં આવી ન હતી. જેથી શહેર મામલતદારની ટીમે ઘટના સ્થળેથી 26,400 રૂપિયાનો નિઓસોલનો જથ્થો તથા હજાર રૂપિયાના બે પતરાના બેરેલ મળી કુલ 27,400 રૂપિયાનો મુદ્દામાલ સીઝ્ડ કર્યો હતો. હવે જિલ્લા કલેક્ટરની સુચના બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જોકે શહેરના જાણીતા ફરસાણ વિક્રેતાને ત્યાં પુરવઠા વિભાગના દરોડાને લઈને શહેરના અન્ય દુકાનદારોમાં પણ તહેવારના દિવસોમાં ફફડાટ જોવા મળ્યો હતો.