29 October 2018

નવસારીમાં આખલા લડાઈ, લોકોના જીવ તાળવે ચોટ્યા


નવસારી શહેરમાં સાંકડા રસ્તાઓ વચ્ચે રસ્તા પર વચ્ચો વચ્ચ સભા ભરીને બેસતા રખડતા ઢોરોને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્ના છે. રખડતા ઢોરોને કારણે ભુતકાળમાં કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, સાથે જ ઘણા ઘાયલ થયા છે. પાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પાલિકાના પેટનું પાણી હાલતુ નથી અને રખડતા ઢોરની સમસ્યા જેમની તેમ જ રહેવા પામી છે. રવિવારે ઝવેરી સડક પર બે અલમસ્ત  આખલાઓની લડાઇના કારણે વાહન ચાલકોના જીવ ટાળવે ચોંટ્યા હતા, જ્યારે એક કારને નુકસાન થયુ હતુ. જ્યારે શનિવારે પણ આખલા લડાઈમાં બે મહિલાઓ ઘાયલ થઇ હોવાની માહિતી સાંપડી હતી.

નવસારીમાં વર્ષોથી સાંકડા રસ્તાઓને કારણે વધતી જતી ટ્રાફિક સમસ્યા અને તેમાં પણ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર બિન્દાસ બેસી રહેતા રખડતા ઢોરોને લઇને નવસારીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગત દિવસોમાં શહેરના પ્રબુધ્ધ નાગરીકોએ પણ રખડતા ઢોરો મુદૃ કમર કસી હતી અને નવસારી પાલિકાના શાસકો તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી. પરંતુ નવસારી નગર પાલિકાના શાસકોના પેટનું પાણી હાલતુ નથી. જ્યારે પણ રખડતા ઢોર મુદૃ શહેરીજનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવે કે ફરિયાદો ઉઠે, ત્યારે બે ત્રણ દિવસ ઢોરોને ડબ્બે પુરવાની કામગીરીમાં પાલિકાના કર્મચારીઓ જાતરાઇ જાય છે. પરંતુ જેવો મુદૃ લોકોના મગજમાંથી ઉતરે કે શાંત પડે પાલિકા ઢોરોને ભુલી જાય છે, જેના કારણે ફરી રખડતા ઢોરો રસ્તાઓ ઉપર સભા ભરીને બેઠેલા જાવા મળે છે.

પાલિકા ઢોરોની સમસ્યાનું નિવારણ લાવે : શહેરીજનો
રવિવારે બપોરે પણ ઝવેરી સડક વિસ્તારમાં આવેલી કચરા પેટી પાસે બે અલમસ્ત આખલાઓ એકબીજા સામે થયા હતા અને આ આખલા લડાઇને લઇને વાહન ચાલકોના જીવ ટાળવે ચોંટ્યા હતા. ત્યાંના સ્થાનિક દુકાનદારો દ્વારા મોબાઇલમાં આખલા લડાઇને કંડારવામાં આવી હતી અને તેને સોશ્યલ મિડીયામાં વાયરલ કરી પાલિકાના શાસકોને ઢોરોની સમસ્યાનું નિવારણ લાવવા માટેની માંગણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ઝવેરી સડક પાસે આવેલી કચરા પેટી નજીક રોજના રખડતા ઢોરોનો જમાવડો હોય છે અને આખલાઓની લડાઇ પણ રોજની બની છે. આખલા લડાઇને કારણે શનિવારે બે મહિલાઓને ફેકી દેતા તેઓ ગંભીર રીતે ઘવાઇ હતી. જ્યારે આગળ જઇને એક રીક્ષામાં અઠડાતા રીક્ષા પલટી મારી ગઈ હતી અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.