30 October 2018

નવસારી પોલીસનો કોન્સ્ટેબલ ૩૫ હજારની લાંચ લેતા ઝડપાયો


નવસારીના ગ્રામ્ય પોલીસના જી.આઇ.ડી.સી. ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેનો સાથી ૩૫ હજારની લાંચ લેતા નવસારી એ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. નવસારી એ.સી.બી. એ આગળની કાર્યવાહી કરતા આરોપી કોન્સ્ટેબલે નાસવા જતા ગ્રામ્ય પોલીસ મથકના પહેલા માળેથી નીચે પડતા ઘવાયો હતો. જેને સારવાર  અર્થે નવસારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

નવસારી એ.સી.બી. ના પી.આઇ. એસ.આર. પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, નવસારી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં જી.આઇ. ડી.સી. ચોકી ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભોલાભાઈ પંડ્યા પાસે એક ગુનાની અરજી આવી હતી. જેથી કોન્સ્ટેબલ રાજેન્દ્રએ ગુનાના આરોપી પાસે હેરાન ન કરવા માટે ૩૫ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચની રકમ કોન્સ્ટેબલ રાજેન્દ્રએ નવસારી તાલુકાના પેરા ગામે કોળીવાડમાં રહેતા વિમલ મોહનભાઇ પટેલને  આપવા જણાવ્યું હતુ. જે બાબતે આરોપીના મિત્રએ એ.સી. બી. મથકે ફરિયાદ કરી હતી. એ.સી. બી. ની ટીમે કોન્સ્ટેબલ રાજેન્દ્ર અને તેના સાથી વિમલને પકડવા માટે છટકુ ગોઠવ્યું હતુ. દરમિયાન નેશનલ હાઇવે નં. ૪૮ પર ગીરનાર હોટલ સામે એ.સી.બી.ની ટીમે લાંચની રકમ લેતા વિમલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

વિમલે કોન્સ્ટેબલ રાજેન્દ્રએ લાંચ માંગી હોવાનું જણાવતા એ.સી.બી. ની ટીમે જી.આઇ.ડી.સી. ચોકી જઇ કોન્સ્ટેબલ રાજેન્દ્રને પણ ઝડપી પાડ્યો હતો. એ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી રાજેન્દ્ર અને વિમલને લઇ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પહોîચી હતી. જ્યાં કોન્સ્ટેબલ રાજેન્દ્ર નાસવા જતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પહેલા માળેથી નીચે પટકાતા પગમાં ઇજા થઇ હતી. જેથી ગ્રામ્ય પોલીસે કોન્સ્ટેબલ રાજેન્દ્રને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. એ.સી.બી. પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે કોન્સ્ટેબલ રાજેન્દ્ર અને વિમલ વિરૂદ્ધ ફરિયાદ નોîધાવતા આગળની તપાસ હાથ ધરી છે.