30 October 2018

નવસારીમાં ભેળસેળ યુક્ત તેલનું રેકેટ


નવસારી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સોમવારે બપોરે નવસારીના ચારપુલ સ્થિત શાંતિનાથ જનરલ સ્ટોર્સમાં ભેળસેળ યુક્ત તેલનું વેચાણ થતુ હોવાની ફરિયાદને આધારે દરોડા પાડ્યા હતા. જેમાં શંકા જતા ફુડ વિભાગની ટીમે તેલના સેમ્પલો લઇ ૬ તેલના ડબ્બા સીલ કર્યા હતા. સાથે જ દુકાનમાં રાખેલા બેસનમાં પણ શંકા જતા ૪૫ કિલો બેસન સીલ કર્યુ હોવાની માહિતી સાંપડી હતી. જ્યારે દુકાનદારની કબીલપોર જીઆઇડીસીમાં તેલની ફેક્ટરી હોવાની જાણ થતા ફુડ વિભાગના અધિકારીઅોએ દુકાનદારને સાથે રાખી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. જ્યાં અલગ-અલગ કંપનીના ૪૦૦થી વધુ તેલના ડબ્બાઅો અને તેલની મોટી ટાંકીઅો પણ જોવા મળી હતી. જેથી અધિકારીઅોએ તેલના સેમ્પલો લઇ તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ મોડે-મોડે ઘટના સ્થળે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ પણ જોડાઇ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઅોએ દિવાળી તહેવારના પુર્વે ખાદ્ય સામગ્રીની દુકાનો, મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં તપાસ શરૂ કરી છે. દરમિયાન ફુડ વિભાગના અધિકારીઅોને ફરિયાદ મળી હતી કે, નવસારીના ચારપુલ વિસ્તારમાં આવેલી શાંતિલાલ જનરલ સ્ટોર્સમાં ભેળસેળ યુક્ત તેલ મળે છે.

જેને આધારે ફુડ વિભાગે સોમવારે બપોરે શાંતિનાથ જનરલ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન દુકાનમાં મુકેલા તીરૂપતિ તેલના ડબ્બા ઉપર લોકલ બ્રાન્ડનું ઢાંકણું માર્યુ હતુ. જે બાબતે તપાસ કરી દુકાનદારની પુછપરછ બાદ ફુડ વિભાગના અધિકારીઅોએ તેલના સેમ્પલો લઇ દુકાનમાં રાખેલા ૬ તેલના ડબ્બા સીલ કર્યા હતા. સાથે જ દુકાનમાં મોટા પ્રમાણમાં બેસનનો જથ્થો જણાતા જેનો પણ તપાસ અર્થે સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને ૪૫ કિલો જેટલો બેસનનો જથ્થો સીલ કરવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી હતી. તપાસ દરમિયાન દુકાનદાર વિકાસ શાહ કબીલપોર ગામે આવેલી જીઆઇડીસીમાં શાંતિનાથ ફુડ પ્રોડક્ટસના નામે તેલની ફેક્ટરી પણ ધરાવતો હોવાનું ધ્યાને આવતા ફુડ વિભાગના અધિકારીઅોએ દુકાનદાર વિકાસને સાથે રાખી ફેક્ટરી ઉપર પણ દરોડા પાડ્યા હતા.

જ્યાં તપાસ દરમિયાન અલગ-અલગ કંપનીના ૪૦૦ થી વધુ તેલના ડબ્બાઅો હોવાનું જણાયું હતુ. સાથે જ આ ડબ્બાઅોમાં કેટલાક ભરેલા હતા. અને કેટલાક ખાલી જણાયા હતા. જ્યારે ફેક્ટરીમાં તેલની મોટી ટાંકીઅો પણ બનાવી હોવાનું અને તેમાંથી ડબ્બાઅોમાં તેલ ભરવાની મશીનો પણ લગાવ્યા હોવાનું જણાયું હતુ. જેથી ફુડ વિભાગની ટીમે અલગ-અલગ બે ડબ્બાઅોમાંથી તેલના સેમ્પલો લઇ રાજ્યસ્તરીય લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. સાથે જ આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગને પણ જાણ થતા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોîચી તપાસમાં જોડાઇ હતી. જો કે આ લખાય છે ત્યાં સુધી ફેક્ટરી ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ બન્ને વિભાગો દ્વારા પોત પોતાની કામગીરી કરી તેનો રીપોર્ટ તેમાન ઉચ્ચ અધિકારીઅોને કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.