17 October 2018

નવસારીને નહેરનું રોટેશન બંધ થતાં શહેરીજનો ટેન્કરના સહારે


નવસારીમાં પૂન: શરૂ થયેલ પાણીની બૂમરાણને શાંત કરવા પાલિકાએ પાણીના ટેન્કરો દોડાવવા માંડ્યા છે. દરરોજ ટેન્કર વાટે અંદાજે 90 હજારથી 1 લાખ લીટર પાણી આપવામાં આવી રહ્યું છે.

નવસારી પાલિકાએ શહેરનાં તળાવમાં પાણી ઓછું થઇ જતા છેલ્લાં 8-10 દિવસથી શહેરીજનોને દરરોજ એક જ ટાઇમ પાણી આપવાનું શરૂ કર્યુ છે. આમ તો ઘણા વિસ્તારોમાં એક ટાઇમ પાણી પૂરતા પ્રેશરથી જતા મુશ્કેલી ખાસ પડતી નથી પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં એક ટાઇમ પણ પાણી પૂરતા પ્રેશરથી ન જતાં પાણીની બૂમરાણ શરૂ થઇ ગઇ છે. જ્યાં પૂરતું પાણી મળતું નથી તે વિસ્તારોએ ફરીવાર પાલિકાનાં ટેન્કરો ઉપર નજર દોડાવી છે.

મળતી માહિતી મુજબ નવસારી પાલિકાનાં ફાયર શાખાનાં પાણીનાં ત્રણ ટેન્કરો છે. આ ત્રણેય ટેન્કરો લગભગ દિવસભર શહેરીજનોને પાણી પહોંચાડવા દોડધામ કરી રહ્યાં છે. શહેરનાં રૂસ્તમવાડી, તીઘરા નવી વસાહત, રૂસ્તમવાડી નવી વસાહત, દાંડીવાડ, દરગાહરોડ, લંગરવાડ વિગેરે વિસ્તારોમાં પાણીના ટેન્કર પાણીના બેડાં ભરવા મોકલવામાં આવે છે. આ ઉપરાંત શહેરનાં ઘણા વિસ્તારોમાં લોકો નાંણા ભરી ટેન્કરનું પાણી મેળવે છે. પાલિકાનાં ત્રણેય ટેન્કરો આ પાણી આપવાની પ્રક્રિયામાં જ વ્યસ્ત રહે છે.

ફાયરબ્રિગેડનાં સૂત્રેનાં જણાવ્યા મુજબ હાલ રોજ 30 થી 35 ટેન્કરો (દરેક ટેન્કરમાં 3 હજાર લીટર પાણી) લોકોને અપાઇ રહ્યાં છે તે જોતાં અંદાજે 1 લાખ લીટર પાણી ટેન્કર વાટે આપવામાં આવી રહ્યું છે. 7-8 દિવસ અગાઉ ટેન્કરો ખાસ દોડાવવા પડતા ન હતા પરંતુ એક જ ટાઇમ પાણી કરાતા ટેન્કરની ડિમાન્ડ ઘણી વધી ગઇ છે.

3 ટેન્કર ઓછા પડે છે
નવસારી પાલિકા પાસે પાણીના ત્રણ ટેન્કર છે. આ ત્રણેય ટેન્કરો લગભગ આખો દિવસ શહેરીજનોને પાણી આપવા દોડધામ કરે છે. ઘણી વખત તાત્કાલિક ડીમાન્ડ થાય તો અપૂરતા ટેન્કરને કારણે મુશ્કેલી પણ પડે છે. શહેરનો વિસ્તાર થતાં તથા પાણીની સમસ્યા અવાર નવાર રહેતા ત્રણ ટેન્કરો ઓછા પડી રહ્યાં છે.

વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ...
અમે ઘણા વખતથી કહી રહ્યાં છે કે શહેરીજનોને પૂરતું પાણી મળે તે માટે પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ. પૈસાદારો તો પોતાની વ્યવસ્થા કરી લે છે પરંતુ બિચારા ગરીબ માણસો શું કરે છે? - અંજુમ શેખ કાઉન્સીલર, નવસારી પાલિકા