26 November 2018

નવસારી પાલિકા શોપિંગ સેન્ટરના શૌચાલયોમાં જ ખદબદતી ગંદકી..!


નવસારી નગરપાલિકા સ્વચ્છતા અભિયાનનો પ્રચાર જોરશોરથી કરે છે પણ તેમના દ્વારા સંચાલિત શોપિંગ સેન્ટરમાં ટોઈલેટ બાથરૂમ ગંદકીથી ઉભરાઈ રહ્યા છે . આમ છતાં નવસારી નગરપાલિકાને તેની ઝાઝી પડી હોય તેમ લાગતું નથી.

ગાંધીજીની 150મી જન્મજયંતીએ સ્વચ્છ ભારત અભિયાનના નારા સાથે ભાજમ શાસકોએ રાજ્ય અને દેશમાં સફાઈ કાર્ય આરંભ્યું છે. પરંતુ નવસારીમાં પાલિકા તંત્ર આ અંગે ખાસ ગંભીર હોય તેમ જણાતું નથી. નવસારી પાલિકાના પોતાના જ શોપીંગ સેન્ટરમાં ગંદકીઓ ઉભરાઈ રહી છે. 300 જેટલી દુકાનો હોય અને ટોઈલેટ-બાથરૂમની સુવિધા આવશ્યક છે. જો કે, તેની નિયમિત સફાઈ કરવામાં કે કરાવવામાં દુકાનદારો અને પાલિકા ખુદ નિષ્ફળ ગઈ છે. તેથી આ શૌચાલયો બિનઉપયોગી બની ગયા છે. પાલિકાની બાજુમાં શાકભાજી માર્કેટ આવેલી છે. ત્યાં પણ ગંદકી એ માઝા મૂકી છે. અહીં નર્કાગાર જેવી સ્થિતિ છે.

નવસારી શહેરની દરેક હોસ્પિટલો વિવિધ બીમારીના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે શહેરની વાત છોડો પણ પાલિકાની આજુબાજુ ગંદકી સાફ કરવામાં પણ તંત્ર ગંભીર નથી. આમ નવસારી નગરપાલિકા તંત્ર સફાઈને નામે ફક્ત બણગાં ફૂંકી રહી હોય તેમ જણાય છે.

ગુજરાતમાં નંબર 1નો અવોર્ડ લઈ ચૂકેલી પાલિકા ફક્ત કાગળ પર જ સ્વચ્છતા દેખાડીને કદાચ ગુજરાતની નંબર વન પાલિકા બની હોય તેવી ચર્ચા પણ હાલ શહેરમાં ચાલી રહી છે. પાલિકાના સંચાલકોને આ અંગે અને વખત મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. આમ છતાં શોપીંગ સેન્ટરની ગંદકી દૂર કરાઈ નથી.