17 November 2018

નવસારીમાં 69 લાખની રૂ.500, 1000ની જૂની નોટ સાથે સુરતના બે યુવક ઝડપાયા


નવસારી ટાઉન સર્વેલન્સ સ્કવોડની ટીમે રૂ. 500ના દરની જૂની ચલણી નોટના રૂ. 54,56,500 તથા રૂ. 1000ના દરની રૂ. 14,51,000 મળી કુલ રૂ. 69,07,500 સાથે અગ્રવાલ કોલેજ રોડ ઉપર ગરનાળા પાસેથી મોપેડ ઉપર બેગમાં ભરીને જઈ રહેલા બે જણાંને ઝડપી પાડ્યા છે. પોલીસે તે બંને યુવાનોની અટક કરી આ જૂની ચલણી નોટો બાબતે તપાસ અર્થે નવસારી ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી છે.

નવસારીમાં ટાઉન સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. પીએસઆઈ એસ.એફ. ગૌસ્વામી, હે.કો. શૈલેષભાઈ, પો.કો. નિમેષભાઈ, ચેતનભાઈ, વિજયભાઈ, પ્રવિણભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે કો. નિમેષ અને ચેતનને બાતમી મળી હતી કે નવસારી વીરાંજલી માર્ગ અગ્રવાલ કોલેજ પાસે આવેલા ગરનાળા પાસે મોપેડ નંબર વગરની એકટીવા ઉપર બે જણાં આવનાર છે. તેમની પાસે રૂ. 500 અને 1000ના દરની જૂની નોટ છે. આ બાતમીના આધારે ઘટનાસ્થળે રેડ કરતા સુરતનો મોહમદ ઝુબેર મોહમદ હનીફ ઝવેરી (ઉ.વ. 37) તથા રમેશભાઈ વિઠ્ઠલભાઈ રાવલ (ઉ.વ. 47) મોપેડ ઉપર ઝડપાઈ ગયા હતા.

તેમની પાસેથી એક કાળા કલરની બેગમાં રૂ. 500 તથા 1000ના દરની જૂની નોટો મળી આવી હતી. રૂ. 500ના દરની 10,913 નંગ જૂની ચલણી નોટ કિંમત રૂ. 54,56,500 તથા રૂ. 1000ના દરની 1451 નંગ જૂની ચલણી નોટ કિંમત રૂ. 14,51,000 મળી કુલ રૂ. 69,07,500ની નોટો મળી આવી હતી. બંને યુવાનોને જૂની નોટ સંદર્ભે પૂછતાં તેઓ પોલીસને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે બંનેની અટક કરી હતી. પોલીસે આ બંને પાસેથી એકટીવા કિંમત રૂ. 55 હજાર તથા રૂ. 1000નો મોબાઈલ મળી કુલ રૂ. 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને શખ્સની અટક કરી તેની પૂછતાછ શરૂ કરી છે.

આ જૂની ચલણી નોટ કોઈ NRIની હોઈ શકે
સરકારે વિદેશમાં રહેતા એનઆરઆઈઓ માટે જૂની ચલણી નોટ આઈઆરબીમાં જઈને બદલી કરી લેવાની એક વર્ષ માટે છૂટછાટ આપી હતી. તેની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ કોઈ એનઆરઆઈની જૂની ચલણી નોટ હોઈ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અગાઉ પણ જૂની નોટો પકડાઈ ચૂકી છે
અગાઉ પણ બારડોલી રોડ ઉપર ટાટા સ્કૂલ નજીકથી જૂની ચલણી અને બોગસ નોટ ઝડપાઈ ચૂકી છે. એ જોતા ચલણી નોટનો કોઈક જગ્યાએ વપરાશ થાય છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ આરંભી છે. જો એમ હોય તો મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.

ઈન્કમટેક્સ વિભાગને જૂની નોટ અંગે જાણ કરાઈ
ઝડપાયેલી રૂ. 69,07,500ની જૂની ચલણી નોટ અંગે નવસારી ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી તેમને આગળની કાર્યવાહી અર્થે સૂચન કરાયું છે. આઈઆરબીને પત્ર લખી જાણ કરાઈ છે. ઉપરાંત ઝડપાયેલા બંને આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે સુરત પોલીસનો સંપર્ક સાધી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. - એસ.એફ.ગૌસ્વામી, પીએસઆઈ, નવસારી ટાઉન