2 November 2018

નવસારી વરસો બાદ ‘બોર’નાં પાણીના ભરોસે


નવસારી શહેરમાં પાણીની તકલીફને કારણે નગરપાલિકાએ વરસો બાદ પુન: ‘બોર’ ભણી નજર દોડાવવાની ફરજ પડી છે. 7થી વધુ બોર કાર્યરત છે ત્યાં 7થી વધુ બોર સહિત પાણીની લાઈનો વગેરે અંદાજિત 97.91 લાખના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવાયો છે.

ચાલુ સાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અપૂરતો વરસાદ પડતા ઉકાઈ કાકરાપાર કેનાલનું પાણી નવસારી શહેરને પૂરતુ મળે એમ નથી. આગામી સમયમાં ઘણાં દિવસો કેનાલનું પાણી આવનાર નથી. જેને લઈને નવસારી શહેરમાં પાણીની સમસ્યા સર્જાય એમ છે. આ સ્થિતિમાં નવસારી નગરપાલિકાએ હજુ ચોમાસુ પુરું થયું ત્યારથી જ મોટો પાણીકાપ મુકવો પડ્યો છે. શહેરભરમાં બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ પાણી આપવાનું શરૂ કર્યું છે. હજુ આ સ્થિતિ લગભગ વર્ષ દરમિયાન ચાલે એમ છે ત્યારે નવસારી પાલિકાએ વરસો બાદ પુન: ‘બોર’ ભણી નજર દોડાવવાની ફરજ પડી છે. 1999 પહેલા જ્યારે નવસારીમાં મધુર જળ યોજના ન હતી ત્યારે પાલિકા ‘બોર’ દ્વારા જ પાણી આપવું પડતું હતું. હવે 19 વર્ષ બાદ પુન: નવસારીને સંપૂર્ણ તો નહીં પરંતુ અંશત: બોર ઉપર ભરોસો રાખવો પડે એમ છે. કેનાલના પાણી સાથે પાણીનો મોટો જથ્થો બોરનો આપવો પડે એમ છે.

મળતી માહિતી મુજબ હાલ પણ નવસારી પાલિકા 7 જેટલા બોરનો પાણી માટે ઉપયોગ કરી રહી છે પરંતુ તે છતાં પાણી અપૂરતું પડતા વધુ બોર કરવાનો નિર્ણય લેવાયો છે. આશરે 7 જેટલા વધુ બોર સહિત પાણીની લાઈન વગેરે આનુસંગિક સુવિધા માટે રૂ. 97.91 લાખ ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો છે. જે કામને હાલમાં જ મળેલી નવસારી પાલિાકની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે. આમ આગામી દિવસોમાં નવસારીની પાણીની સમસ્યા હળવી કરવા પુન: ‘બોર’ મહત્ત્વનો ભાગ ભજવશે એ નક્કી છે!

પાણીનો સમય 15 મિનિટ વધારાયો
નવસારીમાં હાલ કેટલાક દિવસથી પાલિકા એક જ ટાઈમ પાણી આપી રહી છે. જોકે પાણી અપૂરતુ મળવાની ફરિયાદ, દિવાળીનો તહેવાર તથા તળાવ હાલ ભરાતા એક ટાઈમ અપાતા પાણીના સમયમાં આશરે 15 મિનિટ વધારો કરાયાનું જાણવા મળે છે.

સમસ્યા હલ કરવા અમારા પૂરા પ્રયાસો
પાણીની સમસ્યા હલ કરવા નવા ‘બોર’ બનાવવાનો નિર્ણય લીધો છે જે ખર્ચ માટે 14મા નાણાપંચમાંથી ગ્રાંટ મળશે. અમે શહેરની પાણી સમસ્યા દૂર કરવા પૂરા પ્રયાસો કરી રહ્યા છે.ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, નવસારી પાલિકા

‘મોળા’ પાણીની ફરિયાદ વધશે
ભૂતકાળમાં બોરનું જ પાણી અપાતું હતું ત્યારે પાણી મોળા હોવાની ફરિયાદ હતી. હાલ બોરના પાણી મિક્સ કરી અપાય છે ત્યારે પાણી સારુ ન હોવાની ફરિયાદ આવે છે. હવે જ્યારે બોરનું પાણી વધુ અપાશે ત્યારે આ ફરિયાદ રહેવાની શક્યતા છે.