3 November 2018

નવસારીના ટાટા હોલ વિસ્તારમાં આખલાની લડાઈથી નાસભાગ


નવસારીના ટાટા હોલ વિસ્તારમાં બપોરે બે આખલાની લડાઈથી બે લારી અને એક વાહનને નુકસાની થઈ હતી લોકોમાં નાસભાગ મચી હતી.

નવસારીમાં માર્ગો ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં ભય ફેલાવી રહ્યા છે. ઢોરની અડફેટે આવતા મૃત્યુ પણ થયા છે. રખડતા ઢોરથી આમજનતાને રાહત આપવા અનેકવાર પાલિકામાં રજૂઆત થઈ છે. પાલિકાએ પગલાં પણ લીધા છે પરંતુ તે પૂરતા ન હોઈ હજુ પણ આખલાઓથી દહેશત છે.

શુક્રવારે નવસારીના ટાટાહોલ વિસ્તારમાં લડતા બે આખલાઓએ ભય ફેલાવ્યો હતો. ટાટા હોલ નજીકના માર્ગ ઉપર બપોરના સમયે બે આખલા સામસામે લડવા લાગ્યા હતા ત્યારબાદ અચાનક જ લડતા આખલાઓએ નજીક ઉભેલી લારી તરફ દોટ મુકી હતી. જેને લઈને ત્યાં ઉભેલી બે લારીઓને નુકસાન થયું હતું તથા એક વાહનને પણ નુકસાની થઈ હતી. આખલાઓની ભયજનક લડાઈ અને દોટને લઈ ત્યાં નજીક ઉભેલા લોકોમાં રીતસર નાસભાગ મચી હતી.