6 November 2018

નવસારી શહેરનાં વધુ બે ગાર્ડનો ટીપટોપ કરાશે


ગાર્ડનસીટી તરીકે આગળ ધપતા નવસારી શહેરમાં હવે બે ગાર્ડનોની 80 લાખ રૂપિયાથી વધુના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે.

નવસારી શહેરમાં તાજેતરના વર્ષોમાં કેટલાક ગાર્ડન નવા કરાયા છે. ઉપરાંત શહેરનાં ત્રણ તળાવોની ફરતે ‘લેક ફ્રન્ટ’ પણ બનાવવામાં આવ્યો છે. પાલિકામાં ગાર્ડન સમિતિના ચેરમેન પદે શીલાબેન દેસાઇ આવ્યા બાદ ગાર્ડન નવીનીકરણમાં વેગ આવ્યો છે. હવે શહેરનાં વધુ બે ગાર્ડનોને ટીપટોપ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

લુન્સીકુઇ મેદાનને અડીને ગાર્ડન છે, જે કેટલાક સમયથી વિપૂલ-હિરેન પાર્ક (શીરવાઇ પાર્ક) તરીકે ઓળખાઇ રહ્યો છે. આ ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરનાં ફુવારા વિસ્તારમાં આવેલા જ્યુબીલી બાગનો પણ વિકાસ કરવામાં આવશે. આ બાગનો પણ ઘણા લોકો ઉપયોગ કરે છે પરંતુ બાગ જુનો થઇ ગયો છે. શહેરનાં આ લુન્સીકુઇ શીરવાઇ પાર્ક અને જ્યુબીલી બાગને ટીપટોપ કરવા માટે 82.27 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ કરવામાં આવશે. નવસારી પાલિકાએ આ ખર્ચ સરકારની અમૃત યોજના હેઠળ કરવાનું આયોજન કર્યુ છે.

બે લેક ફ્રન્ટ ‘ગાર્ડનો’ પણ બની રહ્યાં છે
નવસારી શહેરમાં દુધિયાતળાવ ફરતે તો લેક ફ્રન્ટ (ગાર્ડન) તૈયાર થઇ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઇ રહ્યાં છે પરંતુ વધુ બે લેકફ્રન્ટ ગાર્ડન પણ બની રહ્યાં છે. લુન્સીકુઇ નજીકના સરબતીયા તળાવ ફરતે તથા જલાલપોરનાં થાણા તળાવ ફરતે પણ લેકફ્રન્ટ તળાવનું કામ ચાલી રહ્યું છે. જે પણ માર્ચ-એપ્રિલમાં તૈયાર થઇ જવાની ધારણા છે જેથી આ બે લેકફ્રન્ટનો પણ આગામી મે વેકેશનમાં બાળકો લાભ લઇ શકશે.

અજગરવાળા બાગનો લાભ મે વેકેશનમાં
નવસારીમાં ચાંદની ચોક વિસ્તારમાં ‘અજગરવાળા બાગ’ તરીકે જાણીતા બાગનું નવીનીકરણ શરૂ થઇ ગયું છે. આગામી માર્ચ મહિનામાં કામ પૂરું થઇ જશે અને મે વેકેશનમાં તો લોકો (ખાસ કરીને બાળકો) બાગનો લાભ લઇ શકશે.