7 November 2018

નવસારી અને વિજલપોરમાં વગર લાયસન્સે ફટાકડા વેચતા બે વેપારી ઝડપાયા


નવસારી અને વિજલપોર શહેરમાં વગર લાયસન્સે ફટાકડાનું વેચાણ કરતા બે વેપારીઅો સામે પોલીસ વિભાગે કાર્યવાહી કરતા ફટાકડા વેપારીઅોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નવસારી અને વિજલપોરમાંથી પોલીસે કુલ ૪૩૦૦ રૂપિયાના ફટાકડા કબ્જે કરી બે વેપારીઅોની ધરપકડ કરી હતી.

નવસારીમાં દિવાળીના તહેવારોને લઇને ફટાકડાનું વેચાણ પણ વધતુ હોય છે. ફટાકડાના વેચાણ માટે વેપારીઅોએ તંત્રમાંથી લાયસન્સ લેવા પડે છે. પરંતુ કેટલાક વેપારીઅો વગર લાયસન્સે અને ફાયર સેફ્ટીના સાધનો વગર જ ફટાકડાનું વેચાણ કરતા થાય છે. જેને ધ્યાને લઇ નવસારી પોલીસ વિભાગ દ્વારા નવસારી અને વિજલપોર શહેરની ફટાકડાની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં નવસારીના શહીદ ચોક ખાતે નવકાર દુકાનના અોટલા ઉપર ફટાકડાનું વેચાણ કરતા અને નવસારીના માણેકલાલ રોડ પર અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનકુમાર નવિનચંદ્ર શાહ પાસે ફટાકડા વેચવાનું લાયસન્સ ન હતું. જ્યારે અકસ્માતે આગ લાગે તો તેને અોલવવા માટેના સાધનો પણ રાખ્યા ન હતા. જેથી પોલીસે સ્ફોટક પદાર્થના અધિનિયમ ૧૮૮૪ ની કલમ હેઠળ કાર્યવાહી કરી ઘટના સ્થળેથી ૧,૫૭૯ રૂપિયાના ફટાકડા કબ્જે કરી દુકાનદાર ચેતન શાહની ધરપકડ કરી હતી. આ બાબતે હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજી ઘટનામાં વિજલપોર રેલ્વે ફાટક નજીક ફટાકડાની દુકાન શરૂ કરનારા અને વિજલપોર ફાટક પાસે પાર્વતીબાગની સામે રહેતા રીતેશ રમેશચંદ્ર પરમાર પાસે પણ ફટાકડાના વેચાણ અર્થેનું લાયસન્સ ન હતું. સાથે જ તેમની દુકાને પણ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાતા જલાલપોર પોલીસે ઘટના સ્થળેથી ૨૭૦૦ રૂપિયાના ફટાકડા કખ્જે કર્યા હતા. સાથે જ દુકાનદાર રીતેશ પરમારની ધરપકડ કરી હતી.