10 November 2018

સબજેલમાં કેદીએ બ્લેડ વડે હાથ-પગની નસ કાપીને કરી લીધી આત્મહત્યા


નવસારી સબ જેલમાં એક કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. ભાઈબીજના દિવસે જ કેદીએ પોતાના શરીર પર બ્લેડના ઘા ઝીંકી દીધા હતાં. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ સાથે મારામારીના કેસમાં હતો જેલમાં
પોલીસ સાથે મારા મારીના કેસમાં ધારાગીરી ગામનો વતની ઈમ્તિયાઝ બશીર શેખ નામનો ઈસમ નવસારી જેલના બેરેક નંબર નવમાં હતો. ત્રણ મહિનાથી જેલમાં રહેલા કાચાકામના કેદીએ શુક્રવારે શરીર પર બેરહેમીપૂર્વક બ્લેડના ઘા ઝીંકી દીધા હતાં. સાથી કેદીઓને જાણ થતાં જેલ પ્રશાસનને જાણ કરાઈ હતી. આ દરમિયાન તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાથ અને પગની નસો કાપીને ઈમ્તિયાઝે આત્મહત્યા કરી લીધી હતી. ઈમ્તિયાઝના શરીરમાંથી વધુ લોહી વહી ગયું હતું. જેથી બે કલાકની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

નવસારી પોલીસ નોંધ્યો ગુનો
નવસારી સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલો ઈમ્તિયાઝે પોતાના શરીરના પગ અને હાથની નસો કાપીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નવસારી ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કેદી પાસે બ્લેડ ક્યાંથી આવ્યા ઉઠ્યાં સવાલ
કાચા કામના કેદી ઈમ્તિયાઝ બશીર શેખ પાસે સબ જેલમાં બ્લેડ ક્યાંથી આવી તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉઠતા સવાલો વચ્ચે પોસ્ટમાર્ટમ રિપોર્ટ હાથ ધરવામાં આવ્યો છે. પીએમ બાદ જ ખબર પડશે કે બ્લેડ હતી કે અન્ય તીક્ષ્ણ હથિયારથી ઈમ્તિયાઝે આત્મહત્યા કરી.