10 November 2018

આખરે નવસારીમાં નવા વર્ષે રિંગરોડ ધમધમતો થઇ જશે


વરસોથી જેની રાહ જોવાઈ રહી છે એ નવસારી શહેરનો મોટાભાગનો રિંગરોડ આગામી હિન્દુ નવા વર્ષમાં ધમધમતો થઈ જશે.

નવસારી પાલિકાનો મહત્ત્વનો પ્રોજેકટ રિંગરોડ છે. જોકે આ પ્રોજેકટ હાથ ઉપર લેવાયાના 10-11 વર્ષ થયા છતાં પૂર્ણ થયો નથી. શરૂઆતમાં વિરાવળથી ભેંસતખાડા સુધીનો 800 મીટરનો માર્ગ જ 7-8 વર્ષ અગાઉ પૂરો કરી શકાયો હતો. રિંગરોડમાં વધુ લાંબો રોડ પ્રકાશ ટોકીઝથી વિરાવળ સુધીનો 2.6 કિલોમીટરનો હતો. તે બનાવવા આડે મકાનો હતા. તે દૂર કરાયા બાદ મહદઅંશે વિઘ્નો દૂર કરાયા હતા. જોકે કપરું કામ આ વિસ્તાર નિચાણવાળો હોય પુરાણનું હતું, તે પણ હવે પૂર્ણ કરાયું છે. હવે ‘કારપેટ સીલકોટ’ની કામગીરી જ બાકી રહી છેે. હવે માત્ર 300 મીટરનો જ ભેંસતખાડાથી ઈસ્લામપુરાનો માર્ગ બાકી રહેશે, જેમાં સંપાદનની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

વહીવટી મંજૂરી મળતા કામ શરૂ કરાશે
નવસારીના રિંગરોડમાં હાલ 13 કરોડનો અંદાજિત ખર્ચ થશે. અગાઉ વિરાવળથી ભેંસતખાડા સુધીના માર્ગ માટે દોઢથી પોણા બે કરોડ અંદાજિત ખર્ચ કરાયો હતો. રિંગરોડના બાકીના કામ માટે આગામી દિવસોમાં વહીવટી મંજૂરી મળી જતા કામ શરૂ કરી દેવાશે. - રાજુ ગુપ્તા, મ્યુનિસિપલ ઈજનેર, નવસારી પાલિકા