13 November 2018

વહીવટી બેદરકારીમાં દાંડી બીચ ડેવલપમેન્ટના 5 કરોડ લેપ્સ


નવસારી પંથકના સૌથી મોટા પ્રવાસી સ્થળ દાંડી બીચ ડેવલપમેન્ટનો 5 કરોડનો પ્રોજેક્ટ 3 વર્ષથી અટવાયો છે. પ્રવાસન વિભાગની ગ્રાંટ એક વખત તો આવી પ્રોજેક્ટ અમલી ન થતાં પરત પણ ગઇ છે.

સને 1930 માં મહાત્મા ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ‘દાંડીકૂચ’ કરી ત્યારથી દાંડી માત્ર ગુજરાત યા ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિધ્ધ થઇ ગયું છે. જેને લઇને દાંડી ‘ઐતિહાસિક પ્રવાસન સ્થળ’ પણ બન્યું છે.

જોકે દાંડીમાં પ્રવાસન સ્થળ તરીકેની સુવિધાઓ યોગ્ય ઉભી ન થતાં જે પ્રમાણે દાંડી પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પામવું જોઇતું હતું તે આઝાદીના 71 વર્ષ પણ ખ્યાતિ પામી શક્યું નથી. ટુરીસ્ટ મથક તરીકેનો વિકાસ કરવા સરકારે આજદિન સુધી થોડો જ ખર્ચ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સરકારનાં પ્રવાસન વિભાગે દાંડી બીચ ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય 2015 નાં અરસામાં લીધો હતો. આ માટે (4 કરોડથી વધું) અંદાજે 5 કરોડ રૂપિયાની ગ્રાંટ પણ ફાળવી હતી. આ ગ્રાંટમાંથી બીચ ડેવલપમેન્ટ (દરિયાકિનારે સુવિધા), વોક વે,શોપ, ટોયલેટ બ્લોક વિગેરેનું નિર્માણ કરવાનું આયોજન કરાયું હતું. પ્રોજેક્ટ રાજ્ય સરકારનાં ડ્રેનેજ વિભાગ હસ્તક અમલી કરવાનો નિર્ણય કરાયો હતો. મળતી માહિતી મુજબ દાંડી બીચ નજીકની જગ્યા ફોરેસ્ટ વિભાગ હસ્તક હોય એક યા બીજા કારણે મુશ્કેલીઓને કારણે શરૂઆતના સમયમાં પ્રોજેક્ટ કાર્યસ્થિત કરી શકાયો ન હતો.

બાદમાં આ પ્રોજેક્ટ ફોરેસ્ટ વિભાગને જ સુપરત કરાયો હતો. જોકે આ દરમિયાન 2017 નાં અરસામાં ફાળવાયેલ કરોડોની ગ્રાંટ પરત સરકારમાં જતી રહેતા દાંડી બીચ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અટવાઇ પડ્યો છે. મળતી માહિતી મુજબ જિલ્લા કક્ષાએથી પુન: દાંડી વિકાસ માટે ગ્રાંટની માંગણી કરવામાં આવી છે.

જર્જરિત રમત ગમતના સાધનો
દાંડીમાં દરિયાકિનારા નજીક નાના બાળકો માટે લપસણી, હીંચકા સહિતના રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા હતાં. હાલ આ સાધનોમાંથી ઘણા નુકસાની પામ્યા છે અને સ્થિતિ દયનીય છે. બાળકોને ઇજા થાય તેવી પણ શક્યતા છે. આ સ્થિતિમાં સાધનો નવા મૂકાય એ પણ જરૂરી છે.

‘સોલ્ટ મેમોરિયમ’ નો પ્રોજેક્ટ પૂરજોશમાં
દાંડીનો ‘નેશનલ સોલ્ટ મેમોરીયમ દાંડી’ નામનો એક મોટો પ્રોજેક્ટ પણ હાલ ચાલી રહ્યો છે, જે પૂરજોશમાં પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઓડીટોરીયમ, લેક, દાંડી કૂચ કરનારા ગાંધીજી સહિતના સેનાનીઓની પ્રતિમા સહિતનાં કેટલાક પ્રકલ્પો આકાર લેવાના છે. અંદાજે 50 કરોડ રૂપિયાથી વધુનો આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ 30 મી જાન્યુઆરી ગાંધી નિર્માણ દિને ખૂલ્લો મુકાવાની શક્યતા છે અને સંભવત: વડાપ્રધાન મોદી જ આ પ્રસંગે દાંડી આવશે. આ પ્રોજેક્ટ ‘બીચ ડેવલપમેન્ટ’ નાં પ્રોજેક્ટથી અલગ છે.

ફોરેસ્ટ વિભાગને પ્રોજેક્ટ સોંપાયો છે
દાંડી બીચ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અગાઉ ડ્રેનેજ વિભાગ હસ્તક હતો પરંતુ ત્યાંની જમીન ફોરેસ્ટ વિભાગ હસ્તક હોઇ પાછળથી પ્રોજેક્ટ ફોરેસ્ટ વિભાગને સુપરત કરાયો હતો. હાલ પ્રોજેક્ટની સ્થિતિ અંગે અમને ખબર નથી. - આર.એમ.પટેલ કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ, નવસારી