16 November 2018

પર્યાવરણ જાળવવા સ્વખર્ચે વૃક્ષારોપણ કરતા રિટાયર્ડ કર્મચારી


વધતા પ્રદૂષણને લઇને જ્યારે પર્યાવરણ સામે મોટું જોખમ ઉભું થયું છે. ત્યારે નવસારી શહેરમાં એક પર્યાવરણવાદી શખ્શ પોતાના ખર્ચે કેટલાક વર્ષોથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવા પ્રયાસ કરી રહ્યો છે.

પર્યાવરણને બચાવવા એક મહત્વની કામગીરી ‘વૃક્ષારોપણ’ ની પણ જરૂરી છે. સરકારી તંત્ર તો વૃક્ષારોપણ માટે કઇ કરે કે ન કરે પરંતુ નવસારી શહેરનો એક સેવાભાવી શખ્શ વધુને વધુ વૃક્ષારોપણ કરવા છેલ્લા કેટલાક વર્ષોથી ઝઝુમી રહ્યો છે. મૂળત: જલાલપોર વિસ્તારનાં અને હાલ નવસારીમાં ઓરેંજ હોસ્પિટલ નજીક રહેતા રીટાયર્ડ એલઆઇસી કર્મચારી જીતુભાઇ દેસાઇ પોતાની મેળે વધુને વધુ વૃક્ષારોપણ કરવા ઝઝુમી રહ્યાં છે.

હાલ તેઓએ પૂર્વના સ્ટેશન માર્ગને હરિયાળો રાખવાની કામગીરી હાથ ધરી છે. સાંઢકુવાથી ફુવારા ગાંધીજીની પ્રતિમા વચ્ચેનાં માર્ગ ઉપર ડીવાઇડર છે. આ ડીવાઇડરમાં વૃક્ષોનું રોપાણ જીતુભાઇ કરી રહ્યાં છે. 200 થી વધુ વૃક્ષોનું રોપાણ તેઓ કરશે. જેમાં પાલિકાનાં ગાર્ડન સમિતિના ચેરમેન શીલાબેન દેસાઇ, ફાયર બ્રિગેડનો પણ સહયોગ મળી રહ્યો છે. ‘પોનોક્રસ’ નામનાં રોપાનું રોપાણ કરી રહ્યાં છે. જે રખડતા ઢોર ખાતા નથી. દર વર્ષે હજારો રૂપિયા રોપા, પાણી વિગેરે પાછળ પણ ખર્ચે છે.

નવસારીમાં સાંઢકુવાથી માણેકલાલ રોડ ઉપરનાં ઘણા મોટા થયેલ વૃક્ષો તેમણે રોપેલા છે. જલાલપોરના અન્ન ક્ષેત્ર નજીક, પૂર્ણેશ્વર સ્મશાનભૂમિ વિસ્તારનાં પણ ઘણું વૃક્ષારોપણ કરેલ છે. લાજપોરમાં પણ ઘણાં વૃક્ષોનું રોપાણ તેમણે કરેલું છે. નોંધનીય વાત એ છે કે, તેઓ માત્ર રોપાણ કરી જ સંતોષ માનતા નથી, રોપાના ઉછેર માટે સમયાંતરે પાણી આપવાનો પણ ખ્યાલ રાખે છે.

જીતુભાઇ દેસાઇ જણાવે છે કે, ‘હાલનાં સમયમાં પ્રદૂષણને લઇ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવું ખૂબ જરૂરી છે તેને લઇને વધુને વધુ વૃક્ષારોપણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’