18 November 2018

‘પે એન્ડ પાર્ક’ના પ્લોટ માત્ર નામના, મફતમાં થતું પાર્કિગ


નવસારી પાલિકાના પાર્કિગ પ્લોટ ઉપર નાણાં લઈ પાર્કિંગ કરવાની કામગીરી થતી ન હોવા છતાં પ્લોટ ખાતે ‘પે એન્ડ પાર્ક’ના બોર્ડ લગાવી વસૂલાતના ભાવ જારી રાખ્યા છે.

નવસારીમાં પાર્કિંગની સમસ્યા છે. જેને કારણે મહત્તમ વાહનો રસ્તા ઉપર જ પાર્ક થતા પણ જોવા મળ્યા છે. જોકે નવસારી પાલિકાએ આ સમસ્યા હળવી કરવા પાર્કિગ પ્લોટ પણ બનાવ્યા છે.

જેમાંનો એક પાર્કિંગ પ્લોટ શહેરના સાંઢકૂવા વિસ્તારમાં બનાસકાંઠા જૈન વાડીની લગોલગ પણ છે. અહીં પાલિકાએ બનાવેલ પાર્કિંગ પ્લોટ બહાર ‘નવસારી પાલિકા સંચાલિત પે એન્ડ પાર્ક’ના લખાણ જોવા મળે છે. આ લખાણમાં ટુ વ્હિલર તથા ફોર વ્હિલર વાહનોના પાર્કિંગના દર જણાવાયા છે. જોકે સ્થળ ઉપર જોતા પે એન્ડ પાર્ક જેવું છે જ નહીં!

નાણાં વસૂલી પાર્કિંગની સિસ્ટમ જ નથી. પાર્કિંગમાં ભૂતકાળમાં ‘પે એન્ડ પાર્ક’રખાયું હતું અને લખાણ કરાયું હતું. જોકે તે સફળ થયું ન હતું અને પે એન્ડ પાર્કની સિસ્ટમ જારી રખાઈ નથી. લોકો વાહનો તો પાર્ક કરે છે પરંતુ નાણાં વસૂલાતા નથી.