19 November 2018

નવસારી જિલ્લાનું પ્રથમ ‘સાયક્લોન સેન્ટર’ કૃષ્ણપુરમાં


નવસારી જિલ્લાનું પ્રથમ ‘સાયક્લોન સેન્ટર’ કૃષ્ણપુર ગામે 3.50 કરોડ રૂપિયાનાં અંદાજિત ખર્ચે બનશે. આ પ્રોજેક્ટનું કામ શરૂ પણ થઇ ગયું છે. નવસારી જિલ્લો દરિયા કાંઠે આવેલ છે. જેના કારણે દરિયાઇ આફતો જેવી કે વાવાઝોડું, સુનામીની દહેશત સતત રહે છે. હાલનાં ગ્લોબલ વોર્મીંગના સમયમાં તો આવી કુદરતી આફતોની સંભાવના વધુ રહે છે. આ સ્થિતિને ધ્યાને લઇ વાવાઝોડા, સુનામી જેવી આફતોનાં સમયે ખાસ કરીને દરિયાકાંઠાનાં લોકોને બચાવી શકાય, રાહત આપી શકાય તે માટે સરકારે ‘સાયક્લોન સેન્ટર’ બનાવવાની યોજના બનાવી હતી.

આમ તો આ યોજના માટે 2010-11 થી તજવીજ શરૂ કરી હતી પરંતુ નક્કર પણે હવે અમલી બની છે. દરિયા કાંઠે આવેલા કૃષ્ણપુર ગામે નવસારી જિલ્લાનું પ્રથમ ‘સાયક્લોન સેન્ટર’ બની રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 3.50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયક્લોન સેન્ટર ‘ગ્રાઉન્ડ પ્લસ વન’ ફ્લોરનું બનશે. જેમાં ચાર હોલ, ઓફિસ, કોમ્યુનિકેશન રૂમ, સ્ટોર રૂમ, કિચન સ્ટાફ, કિચન, ટેરેસ વગેરે રહેશે.

સાયક્લોન સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ વાવાઝોડું જેવી આફત આવે ત્યારે અસરગ્રસ્ત લોકોને ત્યાં સ્થળાંતર કરી રાહત આપવાનો છે એકસાથે ઘણા લોકો આ સેન્ટરમાં રહી શકે તેમ છે. સેન્ટરનું બાંધકામ વાવાઝોડામાં ટકી શકે તેવું હશે.

અહીં ઉલ્લેખનીય છે કે કૃષ્ણપુરમાં આ સાયક્લોન સેન્ટર બનાવવાનું કામ તો શરૂ પણ થઇ ગયું છે જે આગામી 6 મહિના યા તેથી વધુ સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. સેન્ટરનું કામકાજ રાજ્ય સરકારનાં માર્ગમકાન વિભાગની હેઠળ થઇ રહ્યાંનું જાણવા મળ્યું છે.

વધુ સેન્ટર બનાવવાની દરખાસ્ત હતી
નવસારી જિલ્લામાં એકથી વધુ સેન્ટર બનાવવાની દરખાસ્ત ભૂતકાળમાં હતી. જેમાં ઓંજલ-માછીવાડ પણ બનાવવાની વિચારણા હતી. પરંતુ હાલ એક જ બનાવાઇ રહ્યું છે. ભવિષ્યમાં વધુ સાયક્લોન સેન્ટર બની શકે છે.

મલ્ટીપર્પઝ સેન્ટર હશે
આ સાયક્લોન સેન્ટર ‘મલ્ટીપર્પઝ’ હશે. સામાન્યત: મોટા વાવાઝોડા જેવી દુર્ઘટના તો કોઇક જ વખત આવે છે તેથી આ સેન્ટરનો બીજા હેતું માટે પણ ઉપયોગ કરી શકાશે. શાળાકીય કાર્યક્રમ યા ગામના અન્ય કાર્યક્રમોમાં પણ ઉપયોગ કરી શકાશે.

કેટલાકને રેસ્ક્યુની ટ્રેનિંગ પણ અપાઈ
સાયક્લોન સેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ગામના કેટલાક છોકરા-છોકરીને ટ્રેનિંગ પણ અપાઇ છે, જેથી આવા સમયે રેસ્ક્યુ કરવામાં મદદરૂપ પણ થઇ શકે છે. - અંકિત પરમાર ડી.પી.ઓ., નવસારી