20 November 2018

ફુડ સેફ્ટી માટે નવસારીમાં લોકોની વહેલી સવારે દોડ


ભારત સરકારના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્યના ખોરાક ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ખાતે સ્વસ્થ ભારતયાત્રાનું સ્વાગત કરાયું હતું. તા.18, 19 અને 20મી નવેમ્બર સુધી નવસારી જિલ્લામાં ઇટ રાઇટ ઇન્ડિયાના સુત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

નવસારી લુન્સીકુઇ મેદાન ખાતે નવસારી જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાએ સ્વસ્થ ભારત યાત્રા ઉપક્રમે યોજાયેલ મેરોથોન દોડને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવી હતી. સ્વસ્થ ભારત યાત્રાના વિવિધ બેનરો સાથે શાળાના બાળકો, એનસીસીના કેડેટો દ્વારા પ્રભાતફેરીમાં યોજાઇ હતી.

લુન્સીકુઇ ખાતે પબ્લીક બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે, પૂ.મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે દેશના 12 વિવિધ ટ્રેકમાં સ્વસ્થ ભારતયાત્રા યોજાઇ રહી છે. 25 સાયકલ યાત્રીઓનું ગઇકાલે દાંડી ખાતે સ્વાગત કરાયું હતું. આપણા જીવનમાં સ્વસ્થ રહેવા ખરેખર તેલ, નમક અને ખાંડનો ઓછો ઉપયોગ કરવાથી સફળતા પ્રાપ્ત થશે.

આ સંદેશને સમાજમાં, સોસાયટી સુધી પહોંચાડવા યુવાનોને અનુરોધ કર્યો હતો.સ્વસ્થ ભારતયાત્રાના નોડલ અધિકારી દિપિકાબેન ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વસ્થ ભારતયાત્રાનો મુખ્ય ઉદ્દેશ હેલ્થી ફુડ, ઇટ રાઇટ ઇન્ડિયા છે. જેમાં ઇટ હેલ્ધી, ઇટ સેઇફ, ઇટ ફોર્ટીફાઇડ અને નો ફુડ વેસ્ટ રહ્યો છે. આપણા ખોરાક પ્રત્યે આપણે જાગૃત થવું પડશે.ડો.ચિરાગ ગાંધીએ જણાવ્યું હતું કે, આપણા જીવનમાં સ્વાસ્થ્ય અને ફીટનેશનું મહત્વ વધ્યું છે. સ્વાસ્થ્ય માટે યાત્રા કાઢવી પડે તે માટે આપણે જ જવાબદાર છીએ. તંદુરસ્તી માટે જીવન કસરત રૂટિન પાર્ટ બનાવવો જોઇએ.

આપણી લાઇફ સ્ટાઇલને કારણે શારિરીક એકસરસાઇઝનો છેદ ઉડી જાય છે. કસરત રેગ્યુલર કરવી ખૂબ જરૂરી છે. ફીટનેશ સાથે ઘરનું હેલ્ધી ફુડ ખાવા અનુરોધ કર્યો હતો. નવસારીના ડાયાબીટીશ્યન ડો.કવિતાબેને સવારના બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અંગે વિસ્તૃત સમજ આપી હતી.