21 November 2018

નવસારીના મોટા બજારના બે જ્વેલર્સમાં ચોરીનો પ્રયાસ


નવસારીમાં ઠંડીની મોસમ શરૂ થતાની સાથે જ ચોરીની બુમો સંભળાવવા લાગી છે. શહેરના મોટા બજાર વિસ્તારમાં નવસારી ટાઉન પોલીસ મથકની થોડે જ દુર આવેલી બે જ્વેલરીની દુકાનને ચોરટાઅોએ નિશાન બનાવી હતી, પરંતુ ચોરટાઅો કંઈ ચોરવામાં નિષ્ફળ રહયા હતા. મંગળવારે સવારે ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ચોરટાઅો ઇમીટેશન જ્વેલરીની દુકાનના પાઇપ વડે દુકાનની ઉપર ચડતા-ઉતરતા જણાયા હતા. જાકે દુકાનદારો દ્વારા ટાઉન પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી ન હોવાની માહિતી મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મધ્યમાં આવેલા મોટા બજાર વિસ્તારમાં નવસારી ટાઉન પોલીસની નજીકની જ બે જ્વેલર્સની દુકાનને નિશાન બનાવતા ખચકાયા ન હતા. સોમવારે રાતે નાનાલાલ ચોક્સી જ્વેલર્સની બાજુમાં આવેલી વિવાહ ઇમીટીશેન જ્વેલરીની દુકાનના લોખંડના પાઇપના સહારે ચોરટાઅો દુકાનના પ્રથમ માળે ચડ્યા હતા. બાદમાં ત્યાં દુકાનમાંથી જ્વેલરી ચોરી હતી, પરંતુ જ્વેલરી અોરીજીનલ ન હોવાનું જણાતા, તેને ત્યાંજ છોડી દીધી હતી.

બાદમાં આજે વહેલી સવારે એજ પાઇપ ઉપરથી નીચે ઉતરીને નાનાલાલ ચોક્સી જ્વેલર્સના શટરના તાળાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં ચોરટાઅો નાકામ રહયા હતા અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ચોરટાઅોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, પરંતુ ઇમીટીશેન જ્વેલરીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હોવાથી ચોરટાઅોની અોળખવા મુશ્કેલ થઇ પડ્યા છે. ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ક્વોર્ડના પીએસઆઈ એસ. એફ. ગોસ્વામી અને તેમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, સાથે જ ઘટના સ્થળે સીસીટીવી કેમેરાના ફૂટેજને પણ ચકાસ્યા હતા.

જેમાં ચાર ચોરટાઅો પાઇપ વડે ચડતા અને ઉતરતા જણાયા હતા. આ બાબતે નાનાલાલ ચોક્સી જ્વેલર્સ કે વિવાહ ઇમીટીશેન જ્વેલરીના દુકાનદારો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરી ન હોવાની માહિતી મળી હતી.