22 November 2018

લાઇન ડેમેજ થતાં બપોરે 2 કલાક ગેસ પુરવઠો ખોરવાયો


નવસારીમાં બુધવારે બપોરે પોણાબાર વાગ્યે વીજ કંપનીની અન્ડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી નાંખતા ગેસની લાઇન ડેમેજ થતાં ઘણા વિસ્તારોમાં લગભગ બે કલાક ગેસ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

નવસારી પંથકમાં છેલ્લાં કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હાઇટેન્શન લાઇનોને અન્ડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી કરી રહી છે. શહેરમાં અંદાજે 30 કિ.મી. અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ પુરૂ થઇ ગયું છે.અનેક વિસ્તારોમાં કામગીરી પૂરી થઇ છે એ હાલ દુધિયાતળાવ આશાબાગ વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે. આજે બુધવારે પણ આશાબાગ સોસાયટીના પ્રવેશદ્વારે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી અંતર્ગત ખોદકામ થઇ રહ્યું હતું. આ દરમિયાન બપોરે પોણા બાર વાગ્યાનાં અરસામાં ખોદકામ દરમિયાન અન્ડરગ્રાઉન્ડ ગેસની લાઇન ડેમેજ થઇ ગઇ હતી.

ગેસની લાઇન ડેમેજ થતાં આ લાઇન સાથે સંકળાયેલા શહેરનાં અનેક વિસ્તારોમાં જતો ગેસનો પુરવઠો બંધ થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ આશાબાગ તથા તેની નજીકનો વિસ્તાર, વાંદરી મહોલ્લો, સેન્ટ્રલ બેંક વિસ્તાર, સાંઢકુવા, શાંતાદેવી રોડ અને તેની નજીકના વિસ્તાર વિગેરેમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો. બપોરે પોણા બારે બંધ થયેલ ગેસ પૂરવઠો અનેક વિસ્તારો, ઘરોમાં પોણા બે વાગ્યા યા ત્યારબાદ પૂર્વવત થયો હતો. ગેસ કંપનીનાં સૂત્રનાં જણાવ્યા મુજબ અંદાજે 750 ગેસ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતાં. જોકે જે રીતે અનેક વિસ્તારોને અસર થઇ તે જોતાં 1 હજાર યા તેથી વધુ ગ્રાહકોને અસર થઇ હોવાની શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે બપોરે 11.30 બાદ મહત્તમ ઘરોમાં ભોજનનો સમય હોય છે. ત્યારે જ ગેસ પૂરવઠો ખોરવાતાં ઘણા ઘરોમાં રસોઇ બનાવવાની મુશ્કેલી પેદા થઇ હોવાની જાણકારી મળી છે.

ત્રણ દિવસ પહેલાં વિજલપોરમાં સમસ્યા સર્જાઇ હતી
અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં રવિવારનાં રોજ વિજલપોરનાં ઉદ્યોગનગર વિસ્તારમાં વીજલાઇન નાંખતી વેળા ગેસલાઇન ડેમેજ થઇ હતી અને તેને લઇને વિજલપોરનાં પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઘરોમાં ગેસ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. ત્રણ દિવસમાં આ બીજી વખત બન્યું હતું.

ઘટના અંગે તપાસ કરાવી લઉં
અમારી અન્ડરગ્રાઉન્ડ લાઇન નાંખવાની કામગીરી અંગે અમે ગેસવાળાને અરજી આપીએ છીએ અને તેમના માણસોને સાથે રાખીએ છીએ જેથી તેમની લાઇન હોય તો તે બતાવે છે. આજે રજા હોઇ હું બહારગામ હોઇ તપાસ કરાવી લઉં છું.જી.બી.પટેલ, કાર્યપાલક ઇજનેર, ડીજીવીસીએલ, નવસારી ડીવીઝન

રસોઇ બનાવવામાં મુશ્કેલી પડી
રસોઇ બનાવવાનાં સમયે અચાનક જ ગેસ આવતો બંધ થતાં રસોઇ બનાવવામાં તકલીફ પડી હતી.મનીષાબેન રેખ, વાદી મહોલ્લો, નવસારી