23 November 2018

વિજલપોરના બે કાઉન્સીલરની ધરપકડથી હોબાળો


વિજલપોર પાલિકાનાં બે કાઉન્સીલરોની એટ્રોસીટી એક્ટના ગુનામાં ધરપકડ થતાં હોબાળો મચી ગયો છે. કાઉન્સીલરોનાં સમર્થકોનો મોરચો કલેક્ટરાલય પહોંચ્યો હતો અને ખોટી ફરિયાદ હેઠળ ધરપકડ કરાવાની બૂમરાણ મચાવી હતી.

વિજલપોર નગરપાલિકાની ઓક્ટોબર માસની ફરજીયાત સામાન્ય સભા 30મી ઓક્ટોબરનાં રોજ પાલિકાનાં કોમ્યુનીટી હોલમાં મળી હતી. સભામાં વિકાસના કામોની ચર્ચા કરવા મુદ્દે શાસક ભાજપનાં પ્રમુખ જુથ તથા ઉપપ્રમુખ જુથો વચ્ચે ભારે વાદવિવાદ થયો હતો. સભા પૂર્ણ થયા બાદ પણ વાતાવરણ તંગ રહ્યું હતું. આ દરમિયાન સભા પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે પ્રમુખના જુથમાં રહેલ પાલિકાનાં વોર્ડ નં.1 નાં કોર્પોરેટર ભીખુ પટેલે ઉપપ્રમુખના જુથના ચાર કોર્પોરેટર લક્ષ્મીબેન ટુંડીયા, ભાલચંદ્ર પાટીલ, ઇન્દ્રસીંહ રાજપૂત અને દિપક ઉર્ફે મનોહર બોરસે વિરૂદ્ધ માર મારી, ધમકી આપી જાતિ વિષયક ઉચ્ચારણે કર્યાની પોલીસમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ આપ્યાનાં તુરંત તો ધરપકડ કરી ન હતી પરંતુ 20-21 દિવસ બાદ પોલીસે બે કોર્પોરેટરો ભાલચંદ્ર પાટીલ અને દિપક ઉર્ફે મનોહર બોરસેની ધરપકડ કરી હતી.

લક્ષ્મીબેનની ફરિયાદ કેમ ન દાખલ કરી?
વિજલપોર પાલિકામાં 30 મી ઓક્ટોબરનાં રોજનાં રોજ પ્રમુખ જુથના ભીખુ પટેલની ફરિયાદની સાથે ઉપપ્રમુખના જુથના લક્ષ્મીબેન ટુંડીયાએ પણ સામેના જુથના ચારેક કોર્પોરેટરો વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જોકે આ ફરિયાદને માત્ર અરજી રૂપે જ લઇ એફ આઇ આર દાખલ ન કર્યાનો આક્ષેપ આજે ગુરૂવારે પણ કરાયો હતો. એફ આઇ આર ન દાખલ કરવાનું કારણ રાજકીય દબાણ હોવાનું જણાવ્યું હતું.

જેલભરો આંદોલન કરીશું
નવસારીમાં બે કાઉન્સીલરોની ધરપકડથી નારાજ ઉપપ્રમુખ જુથના અન્ય કોર્પોરેટરોએ ગુરૂવારે કલેક્ટરાલયમાં જણાવ્યું કે, અમે બે કાઉન્સીલરોની ધરપકડના વિરોધમાં બાકીના 16 કાઉન્સીલરો પણ ધરપકડ કરાવવા તૈયાર છીએ. અમારા સમર્થકો જેલભરો આંદોલન કરવા પણ તૈયાર છીએ.

સીસીટીવીમાં ફરિયાદ સાબિત કરો
બે કાઉન્સીલરોની ખોટી ફરિયાદના આધારે ખોટી રીતે ધરપકડ કરાઇ છે. અમે પોલીસને ચેલેન્જ કરી છે કે સીસીટીવી કેમેરામાં ફરિયાદ સાબિત કરી બતાવો! - ગંગાધર શુક્લા, કોંગ્રેસી કાઉન્સીલર, વિજલપોર પાલિકા