24 November 2018

નવસારીમાં વેપારીએ દુકાનમાં જ એસિડ પી જીવન ટૂંકાવ્યું


નવસારીનાં મોટાબજાર વિસ્તારમાં સાડીની દુકાન ચલાવતા વેપારીએ દુકાનમાં જ એસીડ પી લઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે.

નવસારી શહેરમાં મુખ્ય વેપારી હાર્દ તરીકે મોટાબજાર વિસ્તાર આવેલ છે. અહીં લગભગ તમામ પ્રકારની ચીજવસ્તુઓનાં વેચાણની દુકાનો આવેલી છે. જેમાં મૂળત: રાજસ્થાનમાં ઉદેપુર નજીકના અને નવસારીમાં ઝવેરીસડક ઉપર મહાવીર સોસાયટીમાં રહેતા દિલીપકુમાર સોહનલાલ જૈનની ‘આરતી સાડી’ નામે દુકાન પણ આવેલી છે. ગુરૂવારે દિલીપ જૈન પોતાની દુકાનમાં જ હતાં દુકાનમાં સેલ્સ ગર્લ પણ હતી. આ દરમિયાન દિલીપભાઇએ બપોરબાદ એસીડ પી લીધું હતું. સૂત્રમાંથી મળતી જાણકારી મુજબ દિલીપભાઇ દુકાનના ઉપરના ભાગે હતાં ત્યારે તેમણે એસીડ પી લીધુ હતું. આ વાતની જાણ થતાં લથડેલી તબિયતને કારણે દિલીપભાઇ જૈનને સારવાર માટે નવસારીની ગોહિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે તેમને સુરતની શીડસ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે દિલીપભાઇ જૈનને મરણ જાહેર કર્યા હતાં.

નવસારીમાં વેપારીએ આત્મહત્યા કર્યાની જાણ થતાં પંથકના વેપારી વર્તુળ અને જૈન સમાજમાં ચકચાર મચી ગઇ હતી. દિલીપભાઇને દેહને અંતિમવિધી માટે રાજસ્થાન તેમના વતન લઇ જવાયા હતાં. દિલીપભાઇનાં પરિવારમાં નવસારી ખાતે તેમની પત્નિ તથા એક છોકરો અને છોકરી છે.

અનેક વેપારીઓને આર્થિક સંકડામણ
વેપારીએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કર્યાની વાત ચર્ચાઇ રહી છે ત્યારે નવસારીના બજારમાં અનેક વેપારીઓનાં ધંધા કેટલાક સમયથી સારા ન રહેતા આર્થિક સમસ્યા સર્જાયાનું વેપારી સૂત્રમાંથી જાણવા મળ્યું છે. દિવાળીમાં તો સામાન્યત: ધંધો સારી રહેવાની ધારણા હોય છે પરંતુ હાલ ગયેલ દિવાળી પણ કેટલાક વેપારીઓની સારી ગઇ ન હતી.

આર્થિક સંકળામણનાં કારણની ચર્ચા
દિલીપભાઇ જૈનએ એસીડ પી જીવન ટુંકાવ્યું ત્યારે મોટો પ્રશ્ન એ ચર્ચાઇ રહ્યો છે કે, આવું પગલું તેમણે કેમ ભર્યુ? તેમનાં નિકટવર્તા વર્તુળોમાં પૂછતાછ કરતા જાણવા મળ્યું કે તેમને આરોગ્યની યા પારિવારીક (સામાજીક) મુશ્કેલી ન હતી. જોકે આર્થિક સંકળામણ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. નાણાં ઉછીના લીધેલા હોવાની એક વાત ચર્ચાઇ રહી છે. તેમનો ધંધો પણ હાલ (ખાસ કરીને દિવાળીમાં પણ) સારો રહ્યો ન હોવાની વાત છે.

ઘટના સ્થળની તપાસ બાકી છે
મરનાર વેપારીની પી એમ નોટ અને વીસેરાનો રીપોર્ટ આવ્યો નથી પરંતુ દવાખાનામાંથી એસીડ પી લીધાની જાણકારી મળી છે. દુકાન હાલ બંધ કરી પરિવાર રાજસ્થાન ગયો છે. જેથી દુકાન (ઘટના સ્થળ) ની તપાસ હજુ બાકી છે. એસીડની બોટલ યા ચિઠ્ઠી જેવું કંઇ મળ્યું નથી. ઘટના સ્થળની તપાસ કરાશે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. - કિરીટ ખાતુભાઇ, તપાસ કર્તા, હેડ કોન્સટેબલ, નવસારી