25 November 2018

નવસારીમાં સૂકો-ભીનો કચરો ડમ્પિંગ સાઇટ પર સાથે જ ઠલવાય છે, વર્ગીકરણ થતું જ નથી


નવસારી શહેરમાં સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનો અપાઈ રહ્યા છે, શહેરભરમાં ઠેર ઠેર સૂકો-ભીનો કચરો અલગ આપવાના બોર્ડ લગાવાયા છતાં હજુ નહીંવત કચરો અલગ અલગ મેળવાઈ રહ્યો છે અને ડમ્પિંગ સાઈટે પણ સાથે જ ઠલવાય છે.

સરકારે કચરાના નિકાલ માટે નવો દિશાનિર્દેશ જારી કર્યો છે. જેમાં શહેરોમાં દરેક ઘરોમાંથી જ સૂકો-ભીનો કચરો અલગ અલગ કરી ડમ્પિંગ સાઈટે પણ ભીના કચરામાંથી ખાતર બનાવવા પ્લાન્ટ ઉભા કરવા જણાવ્યું છે. આ દિશાનિર્દેશ અંતર્ગત અહીંની પાલિકાએ ઘણાં સમયથી કામગીરી તો આરંભી છે પરંતુ હજુ અમલીકરણ નહીંવત કરી શકી છે.

આમ તો સૂકો અને ભીનો કચરો લોકોના ઘરેથી જ અલગ અલગ મેળવવા તમામ મિલકતધારકોને ડસ્ટબીન આપવાનો નિર્ણય તો સવા વર્ષથીય વધુ સમયથી લેવાયો હતો. જોકે ટેન્ડરિંગ યા અન્ય કામગીરીમાં વિલંબ થતા ડસ્ટબીન વિતરણનો મામલો અટવાયેલો રહ્યો હતો અને વિલંબ બાદ એક મહિના અગાઉથી ડસ્ટબીન વિતરણની કામગીરી શરૂ કરી છે.

આ કામગીરી શરૂ થવાની સાથે હાલમાં પાલિકાએ શહેરભરના માર્ગો ઉપર ઠેર ઠેર હોર્ડિંગ્સો, બેનરો લગાવી દીધા છે, જેમાં સૂકો અને ભીનો કચરો ભૂલા-લીલા અલગ અલગ ડસ્ટબીનોમાં આપવા જણાવાઈ રહ્યું છે. પાલિકાની જાહેરાતો છતાં હકીકત એ છે કે નવસારી શહેરમાં સૂકા-ભીના કચરાના વર્ગીકરણનું અમલીકરણ હજુ નહીંવત થઈ રહ્યું છે.

શહેરમાં 15 હજાર મિલકતધારકોને ડસ્ટબીનો અપાયા છે તેમાં ઓછા લોકો અલગ અલગ કચરો પાલિકાના વાહનોને આપે છે. અપાયેલો અલગ અલગ કચરો પાલિકા કદાચ સ્વીકારે પણ છે પરંતુ બંદર રોડ સ્થિત ડમ્પિંગ સાઈટ ઉપર તો એકસાથે જ ઠાલવે છે. આનો શું મતલબ ω મળેલા કચરામાંથી ખાતર બનાવવાના દિશાનિર્દેશ છતાં તેનું પણ હજુ પાલન થતું નથી કારણ કે નવો પ્લાન્ટ-મશીનરી ઉભી થઈ શકી નથી, કામગીરી ચાલી રહી છે.

ડસ્ટબીન વિતરણમાં હજુ 4 મહિના લાગશે ?
નવસારી શહેરમાં 75 હજાર જેટલી મિલકતો આવેલી છે. આ તમામ મિલકતધારકોને પાલિકા બે ડસ્ટબીનો આપશે. આ ડસ્ટબીન આપવાની કાર્યવાહી એકાદ મહિનાથી શરૂ તો થઈ છે પરંતુ હજુ 15 હજાર મિલકતધારકોને જ આપી શકી છે. બીજા શબ્દોમાં કહીએ તો માંડ 20 ટકાને જ ડસ્ટબીન અપાયા છે, 80 ટકાને બાકી છે. જે ગતિએ વિતરણ કામગીરી ચાલે છે તે જોતા તો હજુ 4 મહિના લાગે એમ છે. શું પાલિકા તેમાં ઝડપ લાવશે ???

સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની તૈયારી
સ્વચ્છતામાં શહેરોની કામગીરી સુધરે તે માટે સરકાર ‘સ્વચ્છતા સર્વેક્ષણો’ કરી એવોર્ડ આપી રહી છે. જે અંતર્ગત નવસારીને પ્રથમ સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં એવોર્ડ મળ્યો હતો. જોકે 2018મા નવસારી પાછળ રહી ગયું છે. હવે સ્વચ્છતા સર્વેક્ષણ 2019 આવ્યુ છે જેના માટે પાલિકામાં ધમધમાટ વધ્યો છે. શું નવસારી પાલિકા આ બાબતે એવોર્ડ મેળવશે કે પછી...

વર્ગીકરણ કામગીરીમાં થોડો સમય લાગશે
કચરાના વર્ગીકરણની કામગીરીને હજુ થોડો સમય લાગશે. ડસ્ટબીન પણ પુરા અપાયા નથી. ખાતરના પ્લાન્ટ નાંખવાની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ કેટલીક કામગીરી બાકી હોય એકાદ મહિનો લાગશે એમ જણાય છે. - હિંમતભાઈ પટેલ, ચેરમેન, સેનેટરી કમિટી, નવસારી પાલિકા