27 November 2018

મહિલાને ગાળ આપી માર મરાયા બાબતે એટ્રોસિટીની ફરિયાદ


નવસારીના શાંતાદેવી રોડ ઉપર સરસ્વતિ એપાર્ટમેન્ટની સામે પતિ-પત્નીને મારમારી અપશબ્દો બોલી જાતિવિષયક ગાળો આપી અપમાનિત કરાતા ભોગ બનનાર મહિલાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી એકટના ગુનાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

નવસારી ટાઉન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાંતાદેવી રોડ ઉપર આવેલ સરસ્વતિ એપાર્ટમેન્ટની સામે રહેતા સવિતાબેન પરીયાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પાડોશીઓ રામધની અને તેની પત્ની તથા તેના પુત્ર વગેરેએ ભેગા મળી અમને સારી રીતે મકાન બનાવવા દેતા નથી, ખોટી ખોટી અરજીઓ કરે છે અને તમારુ મકાન અમને વેચાણ આપતા નથી તેમ કહી બિભત્સ ગાળ આપી જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા.

આ ઉપરાંત રામધનીએ લાકડી લઈ પાછળ દોડી નીચે પાડી નાંખી માર મારી અને બચાવવા આવનાર સવિતાબેનના પતિને પણ મારી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી સવિતાબેને આ ઘટના સંદર્ભે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી આબરૂ લેવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ પણ કર્યો હતો. જેથી ઘટનાની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીએ હાથ ધરી છે.