28 November 2018

નવસારીના મધ્ય અને પૂર્વ ઝોનમાં પાણી નહીં મળતા બૂમરાણ


નવસારી શહેરના પૂર્વ અને મધ્ય ઝોનમાં આજે સવારે પાણી પુરવઠો પૂરો નહીં પડાતા લોકોમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. હાલ નવસારી શહેરમાં એક જ ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે 24 કલાક પછી પાણી પુરવઠો નહીં મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણાં સમયથી તળા‌વોને જોડીને શહેરમાં વધતી જતી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ સિંચાઈ વિભાગ દ્વારા પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવતા તેની સીધી અસર નવસારીવાસીઓ ઉપર પણ પડી છે. શહેરના મુખ્ય બે તળાવો દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં જ પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે અને તેને લોકોને પુરું પાડવામાં આવે છે.

કયા કયા વિસ્તારોમાં પાણીની મુશ્કેલી સર્જાય
નવસારીમાં પૂર્વઝોનમાં આવતા લુન્સીકૂઈ, મોટાબજાર, કંસારવાડ, વાંદરી મહોલ્લો, દશેરાટેકરી, ચારપુલ, કડિયાવાડ, કાગદીવાડ સહિત અન્ય વિસ્તારોમાં તથા મધ્ય ઝોનમાં આવતા રંગુનનગર, ટાવર, ગોલવાડ, દાંડીવાડ, મોટી અને નાની પંડ્યાખડકી, આશાનગર વગેરે વિસ્તારોમાં સવારે પાણી પુરવઠો પહોંચાડી શકાયો ન હતો.

પાણી નહીં છોડવા બાબતે કોઈ જાણ ન કરાઈ
પાણી નહીં છોડાશે તેવી કોઈ જાહેરાત કરાઈ ન હતી. જેના કારણે મુશ્કેલી ઉભી થઈ હતી. જો લોકો સુધી એ મેસેજ પહોંચાડવામાં આવ્યો હોત તો વ્યવસ્થા કરવાનું આયોજન કરી શકાયું હોત. - સુધાબેન રાઠોડ, નવસારી

સત્તાધીશો મનમાની કરી રહ્યા હોય તેવું લાગે છે
પાણી માંડ એક ટાઈમ જ આપે છે ત્યારે પોતાની મરજી પ્રમાણે જ પાણી પુરવઠો લોકો સુધી નહીં પહોંચાડીને સત્તાધિશોને લોકોની સગવડ આપવાના નામે મનમાની કરી રહ્યા છે. જો ઈમરજન્સી હતી અને પાણી ન આપી શકાયું તો તે અંગે લોકોને જાણ કરવી હતી. - મનોજભાઈ પટેલ, નવસારી

નવી પાણીની ટાંકીનું કનેકશનનું કામ ચાલુ હતું
સિલોટવાડમાં હાલ નવી ટાંકી બનાવાય છે તે થકી પૂર્વ ઝોનના વિસ્તારોમાં પાણી પહોંચાડાશે. તે માટે જરૂરી મુખ્ય લાઈન સાથે ટાંકીનું જોડાણ કર્યું હતું. સોમવાર રાતથી મંળવાર બપોર સુધી એ કામગીરી કરાઈ હતી. તેના કારણે પાણી પુર‌વઠો અપાયો ન હતો. - ત્રિભોવનદાસ ચાવડા, ચેરમેન, વોટરવર્કસ કમિટી નવસારી પાલિકા