29 November 2018

નવસારીમાં પ્રકાશ ટોકીઝ નજીક કચરાની આગ ઝૂંપડા સુધી પહોંચી


નવસારીમાં પ્રકાશ ટોકીઝ નજીક બપોરે કચરામાં આગ લાગ્યા બાદ આગ નજીકનાં ઝુંપડા નજીક પહોંચી જતા દોડધામ મચી ગઇ હતી. જોકે મોટી નુકસાની યા જાનહાનિ થઇ ન હતી.

નવસારીમાં આવેલી પ્રકાશ ટોકીઝથી થોડે દૂર ઉત્તરેથી રીંગરોડ પણ પસાર થઇ રહ્યો છે. આ રેલવે લાઇન નજીક કચરો પણ પડી રહે છે અને કેટલાક ઝૂંપડાઓ પણ ઉભા થયા છે. બુધવારે બપોરે 2 થી સવા બે વાગ્યાનાં અરસામાં પ્રકાશ ટોકીઝથી થોડે દૂર નંખાતા કચરામાં આગ લાગી હતી. કચરામાં લાગેલ આગ ધીરે ધીરે આગળ વધી હતી અને નજીકનાં ઉભા થયેલ ઝૂંપડા સુધી પહોંચી હતી.

આગ લાગ્યાની જાણ નવસારી ફાયરબ્રિગેડને થતાં ફાયરનાં ત્રણ બંબા સ્થળ પર પહોંચ્યા હતાં અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ થોડા સમયમાં કાબૂમાં આવી ગઈ હતી. આગથી એકાદ ઝૂંપડાને નુકસાની થયાની વાત જાણવા મળી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે પ્રકાશ ટોકીઝ નજીક રેલ્વે લાઈન પાસે ભૂતકાળમાં રેલ્વે ફ્રાઈટ કોરીડોરની લાઈન આવનાર હોય ઝૂંપડાઓનું ડીમોલીશન કરવામાં આવ્યું હતું. જોકે ડીમોલીશન કરાયેલ સ્થળે પુન: ઝૂંપડાઓ આવી ગયાનું જોવાય છે. એવી પણ માહિતી મળી છે કે, કેટલાક ઝૂંપડા વાળાને તો સરકારે ઘર ફાળવ્યા છે છતાં ઝૂંપડી યથાવત જ જોવા મળે છે.