30 November 2018

નવસારીના વિસ્મો કંપાઉન્ડમાં મકાનના વિવાદમાં પરપ્રાંતિય પડોશીઅો બાખડ્યા


નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલા વિસ્મો કંમ્પાઉનડમાં રહેતા પરપ્રાંતિય પડોશી રામધની ગુપ્તાએ પાડોશમાં રહેતી મહિલાને ઘર બાંધવા ન દેતી હોવાના આક્ષેપો સાથે તેને અને તેના પતિને માર મારી મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જાકે ઘટના સ્થળે લોક ટોળુ ભેગુ થતા આરોપી પડોશી અને તેનો પરિવાર ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો અને પીડીતાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના શાંતાદેવી રોડ ખાતે વિસ્મો કંમ્પાઉન્ડ ખાતે રહેતા જમનાબેન (ઉ. વ. ૪૨) (નામ બદલ્યુ છે.) અને તેના પડોશી રામધની ગુપ્તા સાથે ગત ૨૫ નવેમ્બર ૨૦૧૮ ના રોજ મકાન બાંધવા મુદ્દે વિવાદ થયો હતો. પડોશી રામધની ગુપ્તા, તેની પત્ની અને પુત્રએ જમનાબેનને તુ અમને સારી રીતે ઘર બનાવવા દેતી નથી અને ખોટી ખોટી અરજીઅો કરે છે કહીને ઝઘડો શરૂ કયો હતો. બાદમાં તેમને ગાળો આપી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા.

વાત વધતા પડોશી રામધની અને તેનો પરિવાર જમનાબેનને મારવા માટે દોડ્યા હતા. સાથે જ આજે તમને મારી નાંખવા છે, તમે અમને મકાન પણ વેચતા નથી, જેથી આજે મારી મારીને અહિંથી ભગાડી દેવા છે, એવુ બોલતા પાછળ દોડ્યા હતા. જેથી જમનાબેને બુમાબુમ કરતા તેમના પતિ બહાર આવીને રામધની તેમજ તેના પરિવારને સમજાવવા ગયા હતા. પરંતુ આવેશમાં રામધનીએ તેમને માર માર્યો હતો અને જમનાબેનનો હાથ મરોડીને તેમને જમીન પર પાડી રામધનીએ તેમના ઉપર બેસીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જમનાબેને તેને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. ઘટનાને પગલે બુમાબુમ થતા લોક ટોળુ ઘટના સ્થળે ભેગુ થતા રામધની ગુપ્તા અને તેનો પરિવાર ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો. આ બાબતે જમનાબેને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.