30 November 2018

વિજલપોરની SSVB બિઝનેસ ઈન્ડિયા કંપનીનું કરોડોનું ફૂલેકુ!


વિજલપોરના સંભાજી નગરમાં વર્ષો અગાઉ વિવિધ પ્રકારની લોભામણી સ્કીમો સાથે શરૂ થયેલી એસએસવીબી બિઝનેસ ઇંડિયા લિ. કંપનીના ચાર સંચાલકોએ છેલ્લા એક વર્ષથી હજારો લોકોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હોવાની ચર્ચાઅો વચ્ચે ગૂરૂવારે મોડી રાતે નવસારીના કબીલપોર ગામની વૃધ્ધાએ એસએસવીબીના સંચાલકો વિરુધ્ધ તેમની સાથે ૧.૩૭ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કંપનીના ચેરમેન અને ડિરેક્ટરો સહિત ચારની પુછપરછ શરૂ કરી હોવાની માહિતી સાંપડી હતી. ઉલ્લેખનિય છે કે, વૃધ્ધાએ પોતાના પતિની જીવનભરની પુંજી એસએસવીબીમાં રોકી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્નાં છે.

મળતી માહિતી અનુસાર, નવસારી તાલુકાના કબીલપોર ગામે વસંત વિહાર સોસાયટીમાં રહેતા મંજુલાબેન સુખાભાઈ રોહિત (ઉ. વ. ૬૫) ના પતિ સુખાભાઈ રોહિત એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી રિટાયર્ડ થયા બાદ હાલમાં નવસારીની ખાનગી સ્કૂલમાં પણ ડ્રાઇવર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. મંજુલાબેન વર્ષ ૨૦૧૩ માં તેમના સહેલી પુષ્પાબેન પટેલના જમાઇ પરેશ ગણેશભાઇ ચૌધરીના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે પરેશ ચૌધરી વિજલપોરના સંભાજી નગર ખાતે આવેલી એસએસવીબી બિઝનેસ ઈન્ડિયા લિ. કંપનીમાં નોકરી કરતો હોવાથી મંજુલાબેનને કંપનીની વિવિધ લોભામણી સ્કીમો બતાવી તેમાં મહિને ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાનું રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. પરેશની વાતોમાં આવીને મંજુલાબેને પ્રથમ ૫ એમ નામની સ્કીમમાં મહિને ૫૦૦ રૂપિયા પ્રમાણે રોકાણ શરૂ કર્યુ હતુ.

જે પાંચ વર્ષ બાદ પાકતી મુદ્દતે ૩૦ હજાર રૂપિયા થાય અને કંપની ધ્વારા વ્યાજ સહિત કુલ ૪૩,૨૭૫ રૂપિયા થાય એવુ જાણ્યુ હતુ. જેની સાથે મંજુલાબેને ૫૦૦ રૂપિયાના રોકાણવાળી બે સ્કીમો અને ત્રણ વર્ષ માટે હજાર રૂપિયાના રોકાણવાળી એક સ્કીમ મળી દર મહિને ૨ હજાર રૂપિયા ભરવાના શરૂ કર્યા હતા. આ ત્રણેય સ્કીમોના પાકતી મુદ્દતે ૧,૩૭,૫૫૦ રૂપિયા થતા હતા. મંજુલાબેન ધ્વારા કરવામાં આવેલા રોકાણની કંપની ધ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને દર મહિને ભરતા રૂપિયાની રસીદ પણ આપવામાં આવતી હતી. પરંતુ મંજુલાબેન ધ્વારા રોકવામાં આવેલા નાણાનું પાકતી મુદ્દતે તેમને વળતર ન મળતા તેઅો વિજલપોરના સંભાજી નગર સ્થિત એસએસવીબીની અોફિસે પહોંચ્યા હતા. જ્યાં કંપનીના ચેરમેન અને જલાલપોર એરૂ ચાર રસ્તા નજીક ઇશ્વર પાર્ક સોસાયટીમા રહેતા શ્રીરંગ પ્રકાશ પોલ અને તેનો ભાઈ તથા કંપનીનો ડિરેક્ટર વિક્રમ પ્રકાશ પોલને મળ્યા હતા. મંજુલાબેન સાથે વાત કરતા ઉપરોક્ત બંને ભાઈઅોએ હાલમાં કંપની પાસે રૂપિયા નથી, આવે એટલે આપી દઇશુ એવો વાયદો કરતા મંજુલાબેન ઘરે પરત ફર્યા હતા. જાકે ત્યારબાદ સતત મંજુલાબેને એસએસવીબી બિઝનેસ ઇંડિયા લિ. કંપનીની અોફિસે ધક્કા જ ખાવા પડતા અંતે હારીને વિજલપોર પોલીસ મથકે કંપનીના ચેરમેન શ્રીરંગ પોલ, ડિરેક્ટર વિક્રમ પોલ, બાલુ શ્રીલમ નંગી અને વિનોદ સાહેબરાવ રસાળની સામે ફરિયાદ આપતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સમગ્ર દ.ગુ.માંથી અોફિસ ખોલી સેંકડો લોકોના કરોડા રૂપિયા કંપનીએ ચાઉ કર્યાની ચર્ચા
નવસારી એસઅોજી પોલીસની ટીમે તમામ આરોપીને એલસીબી પોલીસ મથકે લાવીને નિવેદનો નોંધવાની તેમજ કરોડોના ઉઠમણા સંદર્ભે પુછપરછ હાથ ધરી હતી. જેમાં એસએસવીબી બિઝનેસ ઇંડિયા લિ. કંપનીના નામે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, સેલવાસ સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના શહેરો અને કસ્બાઅોમાં અોફિસો તેમજ દુકાનો ખોલીને લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ. જેમાં કંપની ધ્વારા વિવિધ શહેરોમાં દુકાનો અને અોફિસો પણ બેંક લોન પર વસાવી હોવાનું ખુલવા પામ્યુ હતુ, જેમાં પણ બેંકના લેણા હોવાથી કેટલીક જગ્યાએ બેંક ધ્વારા નોટીસો પાઠવવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ હતુ.