11 November 2018

કબીલપોર GIDC વિસ્તારમાં મારામારી, 1નું મોત, હત્યાનો ગુનો નોંધાયો


નવસારીમાં કબીલપોર જીઆઈડીસીમાં બાઈક સ્લીપ થવા બાબતે થયેલો ઝઘડો, મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાની અદાવતમાં 14 જેટલા યુવાનોએ ભેગા મળી ફેકટરીમાં ઘૂસી જઈ તોડફોડ કરી ત્યાં રહેતા ત્રણ જણાંને લાકડીના ફટકાથી માર મારતા એક શખ્સનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ગ્રામ્ય પોલીસે હુમલો કરનારા યુવાનો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાલ દિવાળીના તહેવાર નિમિત્તે નવસારી જીઆઈડીસી વિસ્તારમાં રજાનો માહોલ હોવાથી મોટા ભાગના કર્મચારીઓ અન્ય રાજ્યમાંથી આવતા હોવાથી હમાલીનું કામ કરતા શ્રમજીવીઓ ફેક્ટરીમાં જ રહી જાય છે. દરમિયાન કબીલપોર જીઆઈડીસીમાં આવેલા શિવમ એગ્રોવેટ કોર્પોરેશન ફેકટરીમાં હમાલીનું કામ કરતા 40 જેટલા શ્રમિકો પણ હાલ ફેકટરીના હોલમાં જ રહે છે.

8મી નવેમ્બરે ફેકટરીમાં નવા વર્ષની રજા હતી તેથી સુનિલકુમાર લાલજી પ્રસાદ (મૂળ યુપી) તથા તેના સાથીદાર મુન્ના રાધા મંડલ, રામ આસરે બધઈ મંડલ તથા રામલાલ દુખી મંડલ સાથે ફેકટરી નજીક આવેલી કેનાલની ખુલ્લી જગ્યામાં લઘુશંકા માટે ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે ફેકટરી સામે રોડ ઉપર એક બાઈક ચાલક બાઈક સ્લીપ થતા રોડ પર ફસડાઈ પડ્યો હતો. એ વખતે બાઈક ઘસડાઈને સુનિલકુમાર તથા તેના મિત્રો ચાલતા હતા ત્યાં સુધી આવી ગઈ હતી. એ વખતે ગણેશ સિસોદ્રા વિસ્તારમાં રહેતો અજિતસિંહ અને તેનો ભાઈ સુચીતસિંહ ત્યાં હાજર હતા.

તેમણે જણાવ્યું હતું કે ‘તમે રસ્તા વચ્ચે ચાલો છો, જેથી આ બાઈકવાળો સ્લીપ ખાઈ પડી ગયો છે.’ તેવું કહી ગમે તેમ ગાળ બોલી તમામને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. આ ઘટના બાદ સુનિલકુમાર તેના મિત્રો સાથે ફેકટરીએ જતો રહ્યો હતો પરંતુ એ દરમિયાન અજીતસિંહ તેના અન્ય 7થી 8 મિત્રો સાથે ફેકટરીએ ધસી ગયો હતો. તેમણે તેમની પાસે લાકડી સાથે ફેકટરીમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને મુન્ના રાધા મંડલ, રાજેશ ઉર્ફે રાકેશ વગેરેને લાકડીના ફટકાથી અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. અહીંથી ન અટકી તેમણે ફેકટરીની બહાર નીકળશો તો હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ ઘટનામાં મુન્ના રાધા મંડલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

હુમલો કરનારા તમામ ઘટનાસ્થળેથી જતા રહ્યા બાદ આ ઘટના અંગે કંપનીના મેનેજરને જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુન્ના રાધા મંડલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી સુનિલકુમાર પ્રસાદે સમગ્ર ઘટના સંદર્ભે હુમલો કરનારા અજિતસિંહ, સુચિતસિંહ, સંદીપ જાદવ, મહેશ ઉર્ફે મનોજ ચોરસીયા, રાજેશસિંગ, આશિષ ઉપાધ્યાય (રહે. ગણેશ સિસોદ્રા, જીઆઈડીસી) અને તેના 7થી 8 સાથીદારો સામે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભયનું વાતાવરણ ઊભું થયું, 40 શ્રમજીવી છુપાઈ ગયા
રોડ ઉપર થયેલી ગાળાગાળી અને મારામારી બાદ 14 જેટલા યુવાનોએ ભેગા મળીને ફેકટરીમાં ઘુસી જઈ તોડફોડ કરી ધમકીઓ આપતા ભયનો માહોલ છવાયો હતો. 40 જેટલા શ્રમજીવીઓ મોટાભાગે યુપી વિસ્તારના હોવાથી આ ઘટના સમયે પોતાને બચાવવા છુપાઈ ગયા હતા એવી પણ માહિતી સાંપડી છે. જોકે પોલીસે આ કેસમાં બે જેટલા આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે ગુનો નોંધાયો
સુનિલ પ્રસાદે સમગ્ર ઘટના સંદર્ભે હુમલો કરનારા અજિતસિંહ, સુચિતસિંહ, સંદીપ જાદવ, મહેશ ઉર્ફે મનોજ ચોરસીયા, રાજેશસિંગ, આશિષ ઉપાધ્યાય (રહે. ગણેશ સિસોદ્રા, જીઆઈડીસી) અને તેના 7થી 8 સાથીદારો સામે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.