16 December 2018

નવસારી પાલિકાનું વિરાવળ સ્થિત મચ્છીમાર્કેટમાં ડિમોલિશનના સ્થાને સફાઈ અભિયાન


નવસારી નગરપાલિકાની ટીમ પૂરી તૈયારી સાથે પોલીસ કાફલો લઈને વિરાવળ નજીક આવેલી મચ્છીમાર્કેટના વેપારીઓએ પાડેલો શેડ, બનાવાયેલા ઓટલા દબાણો દૂર કરવા પહોંચી હતી પરંતુ પરિસ્થિતિ જોતા દબાણ દૂર કરવાને બદલે માત્ર સફાઈ અભિયાન કરીને પરત ફરી હતી. મચ્છમાર્કેટમાં વેપાર કરતા માછીમારોના સરસામાનનો ખુરદો બોલાવી પાલિકાના કર્મચારીઓ તે કચરો લઈ પરત ફર્યા હતા. આ ઘટનાને લઈ મચ્છીમાર્કેટના વેપારીઓમાં પાલિકાની નુકસાન કરવાની કામગીરી સામે આક્રોશ વ્યાપી ગયો હતો. પાલિકા સત્તાધિશોની મનમાનીને લઈન માર્કેટના વેપારીઓએ નવસારી ધારાસભ્યને રજૂઆત કરી આવી કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો.

નવસારી નગરપાલિકાને તાજેતરમાં જ નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટે બનાતવાલા સ્કૂલ પાસે આવેલી મચ્છીમાર્કેટ દૂર કરવા સૂચન કર્યું હતું. આ અગાઉ પણ કલેકટરની નોટીસને પાલિકા સત્તાધિશો ઘોળીને પી ગયા હતા પરંતુ આ વખતે પાલિકાના સત્તાધિશોને કામગીરી કરવાની ફરજ પડી હતી. જેના સંદર્ભે વિરાવળ સ્થિત મચ્છીમાર્કેટમાં બનાતવાલા સ્કૂલ નજીકની મચ્છીમાર્કેટ ખસેડવાની હિલચાલ શરૂ કરી હતી. આજે તેના ભાગરૂપે જ પાલિકાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે વિરાવળ સ્થિત મચ્છી માર્કેટ બપોરના સમયે પહોંચ્યા હતા. માર્કેટની શરૂઆતમાં જ મુકેલા કેટલાક થર્મોકોલના સફેદ બોક્સ તથા કેટલાક સામાન પર બુલડોઝર ફેરવી દઈ તોડફોડ કરી હતી અને મચ્છીમાર્કેટના વેપારીઓને નુકસાન કર્યું હતું. અચાનક જ પાલિકાના આ અભિયાનથી મચ્છીમાર્કેટના વેપારીઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને ભેગા થવા લાગ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ મચ્છીમાર્કેટમાં માંડ 12થી વધુ વેપારીઓ માછલીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. કોઈપણ પ્રકારની નોટિસ કે સૂચના વિના જ હાથ ધરાયેલી કામગીરી સામે આ વેપારીઓએ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની ઓફિસે ધસી જઈ ઉભરો ઠાલવ્યો હતો. પાલિકા સત્તાધિશોની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ પાલિકા સત્તાધિશોએ પોલીસને સાથે રાખી મચ્છીમાર્કેટની આસપાસનું દબાણ દૂર કરવાની જગ્યાએ માત્ર સફાઈ અભિયાન કર્યું હોય તેમ તમામ તોડફોડ કરેલી સામગ્રી વાહનોમાં ભરી રવાના થઈ ગયા હતા. જેને લઈ માત્ર આ પાલિકાનું સફાઈ અભિયાન સાબિત થયું હતું.

હાલ માત્ર દબાણ દૂર કરવાનું પ્લાનિંગ હતું.
પાલિકાના કર્મચારીઓ દ્વારા આજે દબાણ દૂર કરવાની જ કામગીરી કરી હતી. જ્યાં પ્લાસ્ટીકના ડબ્બા સહિત કેટલોક સામાન અને સામગ્રી રોડ પર હતા તે દૂર કરાયા હતા. જોકે કોઈ માથાકૂટ ન થાય તે માટે પોલીસનો સહયોગ લેવાયો હતો. જોકે શાંતિથી દબાણ દૂર કરાયા હતા. - રાજુભાઈ ગુપ્તા, એન્જિનિયર, નવસારી પાલિકા

બનાતવાલા મચ્છીમાર્કેટના વેપારીઓ બાબતે પણ અનિશ્ચિતતા
હાલ જે બનાતવાલા મચ્છીમાર્કેટના વેપારીઓનું સ્થળાંતરની તજવીજ શરૂ કરવામાં આવી છે. 10 મહિલાઓ વિરાવળની માર્કેટમાં સ્થળાંતર કરશે કે કેમ એવા સવાલો પણ ઉભા થયા છે. વર્ષોથી અહીં સ્થાન જમાવનાર આ માછલીનો વેપાર કરનાર મહિલાઓ નજીકમાં જ જગ્યા ફાળવી આપે તેવી માગ કરી રહી છે.

સ્થાનિક લોકોમાં પણ નારાજગી હોવાની ચર્ચા
વિરાવળ સ્થિત મચ્છીમાર્કેટ હવે બનાતવાલા નજીકના વેપારીઓનું પણ સ્થળાંતર કરવાની તજવીજ ચાલી રહી છે પરંતુ વિરાવળ સ્થિત આ મચ્છી માર્કેટની આસપાસના લોકોમાં આ મચ્છીમાર્કેટને લઈ નારાજગી હોવાનું ચર્ચાય રહ્યુ છે. એવામાં બહારથી અન્ય વેપારીને સ્થાન અપાશે તો તેઓને કારણે પાર્કિંગની જગ્યા માટે પણ મુશ્કેલી અને સ્થાનિકોને આવાગમન માટે પણ અગવડ પડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

નવસારી પાલિકાના અધિકારીઓએ માર્કેટના વેપારીઓને સૂચના આપ્યા વિના જ તોડફોડ કરીને રૂ. નુકસાન કર્યું છે તે યોગ્ય નથી. પહેલા સૂચના આપવાની હતી પરંતુ પોલીસ કાફલા સાથે ધસી આવી મનમાની કરાઈ હતી. આવું વર્તન યોગ્ય નથી. આ બાબતે ધારાસભ્યને રજૂઆત કરાઈ છે. - સુરેશભાઈ બોધાણી, પ્રમુખ, મચ્છીમાર્કેટ એસો.