16 December 2018

ચકચારી ધૃતિ મૃત્યુ કેસમાં સાસરિયા નિર્દોષ, ફરિયાદપક્ષ હાઇકોર્ટમાં જશે


નવસારીમાં મોટાબજાર ખાતે સ્ટોર્સ ચલાવતા ગોરધનભાઈ પટેલની પુત્રવધુ ધૃતિ ચોકસી (પટેલ)નું 6 વર્ષ પહેલા તેના સાસરે ઈજાગ્રસ્ત હાલતમાં ગળે ટુવાલથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેમાં ધૃતિના પરિવારજનોએ ધૃતિની હત્યા થઈ હોવાનો આક્ષેપ મુકીને ફરિયાદ કરી હતી. આ કેસમાં પોલીસે મૃતકના પતિ દિવ્યેશ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે કેસ કર્યો હતો. શનિવારે નવસારી જિલ્લા કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીના એડવોકેટ કિરીટ પાનવાલાની દલીલો મંજૂર રાખી કોર્ટે પાંચેય આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

નવસારીમાં ચોકસી પરિવારની પુત્રી ધૃતિ ચોકસી (પટેલ) અને મોટાબજાર ખાતે દુકાન ચલાવતા પટેલ પરિવારના પુત્ર સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્નના ત્રણ વર્ષ દરમિયાન પુત્રનો પણ જન્મ થયો હતો પરંતુ જોકે તે પછી પતિ-પત્ની વચ્ચે ખટરાગ ઉભો થયાની વાત વહેતી થઈ હતી. બાદમાં ધૃતિનો મૃતદેહ તેના બાથરૂમમાં ટુવાલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો, જેની જાણ પતિને થતા તેણે તેનો મૃતદેહ નીચે ઉતારીને તેના પિતા તથા ધૃતિના પરિવારજનોને જાણ કરી હતી.

આ બાબતે ધૃતિના પીએમ દરમિયાન તેના હાથપગ પર ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા. તેથી મૃતકના પિયર પક્ષે તેના આપઘાત સામે શંકા વ્યક્ત કરી મૃતકના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધૃતિના પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણીની હત્યાના આરોપમાં અટક કરી હતી. આ કેસ નવસારી જિલ્લા કોર્ટમાં ચાલ્યો હતો. શનિવારે નવસારી કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના પાંચેય ઈસમોને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

છ વર્ષ અગાઉ બનેલી ઘટના ટોક ઓફ ટાઉન બની
નવસારીની ધ્રુતિ અપમૃત્યુ કેસમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે મહિલા મંડળોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નવસારી શહેરમાં પ્રથમવાર રાત્રિના સમયે તે વખતે કેન્ડલ માર્ચનું આયોજન ધૃતિને ન્યાય અપાવવા કરાયું હતું. જેમાં સમગ્ર દ.ગુજરાતના મહિલા સંગઠનો નવસારીમાં આવ્યા હતા.

હાઇકોર્ટમાં અપીલ કરીશું
કોર્ટના ચૂકાદાથી નાખુશ થયા છે. અમારો કેસ મજબૂત છે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. - સી.પી.નાયક, ફરિયાદીના એડવોકેટ