1 December 2018

વિજલપોર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો


વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ જગદીશ મોદી સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજુર થઇ હતી. શુક્રવારે મળેલી પાલિકાની ખાસ સામાન્ય સભામાં કુલ 36 સભ્યોમાંથી દરખાસ્તના સમર્થનમાં માત્ર 13 જ મત મળ્યા હતાં. વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ જગદીશ મોદી સામે સત્તાધારી ભાજપનાં જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. આ દરખાસ્ત માટે તા.25.9.2018 નાં રોજ મળેલી પાલિકાની ખાસ સામાન્ય સભા તોફાની બનતા કોઈ નિર્ણય લેવાયો ન હતો અને સભા મૂલતવી રખાઈ હતી. ત્યારબાદ નિર્ધારિત સમયગાળામાં પાલિકા પ્રમુખ કે ઉપપ્રમુખે પણ ખાસ સભા ન બોલાવતાં ચીફ ઓફિસરે જિલ્લા કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો. કલેક્ટરે બાદમાં તા. 30. 11. 2018 ના રોજ ખાસ સામન્ય સભા બોલાવી હતી.

આજે 30મીનાં રોજ પ્રાંત અધિકારી એન. એ. રાજપૂતના અધ્યક્ષસ્થાને અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે ખાસ સામાન્ય સભા વિજલપોર પાલિકાનાં કોમ્યુનીટી હોલમાં મળી હતી. સભાનું સંચાલન કરતાં પ્રાંત અધિકારીએ પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તનાં સમર્થનમાં મતદાન કરવાનું કહેતા 13 મત પડયા હતાં. આમ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા જરૂરી મત ન મળતાં અવિશ્વાસની દરખાસ્ત રદ (નામંજૂર) થયાનો સભાના અધ્યક્ષ પ્રાંત અધિકારી રાજપૂતે હુકમ કર્યો હતો.

અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થતાં છેલ્લા અઢી-ત્રણ મહિનાથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. દરખાસ્ત નામંજૂર થતા સત્તાધારી પ્રમુખના જુથના સભ્યોમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. અને 'ભારત માતા કી જય' નાં નારાથી પાલિકા કચેરી ગુંજી ઉઠી હતી. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાની છેલ્લી બે સામાન્ય સભા તોફાની બની હતી. તેનાથી વિપરીત શુક્રવારની સભા શાંતિમય આટોપાઈ હતી.

વિજલપોર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે પ્રમુખ તરફે અને વિરુદ્ધમાં મત કરનારા સભ્યો
દરખાસ્તની તરફેણમાં : દરિયાબેન ગીરાશે, સતીશ બોરસે, સંતોષ પુંડકર, વૃશાલી પાથરકર, વંદનાબેન પાટીલ, કુસુમબેન ધાનકા, કુસુમબેન ધાનકા, મહેન્દ્ર ટંડેલ, આશાબેન ઠાકુર, કલ્પનાબેન જાદવ, મંગળજી ચાવડા, અનિલ નાયકા, દમુતાબેન નિકમ, ગંગાધર શુક્લા

દરખાસ્તની વિરૂદ્ધમાં : સવિતાબેન ચૌધરી, નિતુબેન શાહ, ભીખુભાઇ પટેલ, નરેશ પુરોહિત, જ્યોત્સના પ્રજાપતિ, સીમા શાહ, જગદીશ મોદી, દશરથ પટેલ, જયાબેન લાંજેવાર, પ્રકાશ પાટીલ, રમીલાબેન પટેલ, જાગૃતિ દેસાઇ, વિપુલ સાવલીયા, મુક્તિબેન ટંડેલ, સોનાલી રસાળ, શુભમ મુંડીયા, કરૂણા ઝા, દિલીપસિંહ ભદોરીયા.

અસંતુષ્ટ જૂથના પાંચ સભ્ય ગેરહાજર
ખાસ સામાન્ય સભામાં પાલિકાનાં તમામ કાઉન્સીલરો હાજર રહ્યાં ન હતાં. પાંચ જણા ગેરહાજર રહ્યાં હતાં. ગેરહાજર રહ્યાઓમાં લક્ષ્મીબેન ટુંડીયા, મનોહર બોરસે, ઇન્દ્રસીંહ રાજપૂત, ભાલચંદ્ર પાટીલ અને જ્યોતિ રાજભરનો સમાવેશ થાય છે. ગેરહાજર મોટેભાગનાં ઉપપ્રમુખ જુથના મનાય છે. જોકે આ પાંચ હાજર રહ્યાં હોત તો પણ દરખાસ્તના ફેંસલામાં ફરક ન પડતે!

દરખાસ્ત નામંજૂર થવાની ખબર જ હતી
દરખાસ્ત 100 ટકા નામંજૂર થવાની હતી ખબર જ હતી. અગાઉ પણ નામંજૂર જ થવાની હતી. જેના કારણે જ સામાવાળા જુથે ધાંધલ ધમાલ કરી હતી. કાયદા મુજબ હાથ ઉંચા કરીને જ મતદાન કરવાનું હતું પરંતુ ખોટા હડકંઠા અપનાવી ગુપ્ત મતદાનની વાત કરી હતી. - જગદીશ મોદી પ્રમુખ, વિજલપોર પાલિકા.