2 December 2018

વિજલપોરમાં SSVB બિઝનેસ ઈન્ડિયામાં 12 હજાર ગ્રાહકોના રૂ.18 કરોડ સલવાયા


વિજલપોરમાં મલ્ટીસ્ટોર ચલાવતી એસએસવીબી બિઝનેસ ઈન્ડિયાના સંચાલકો દ્વારા લોકોને જુદા જુદા પ્લાન બતાવીને તેમાંથી મોટુ વળતર મળશે એવી લાલચ આપીને વિશ્વાસમાં લઈને પાકતી તારીખે નાણાં ન આપતા ગતરોજ એક ઈસમે સંચાલકો વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે આ ઘટનામાં એલસીબીએ તપાસ હાથ ધરી હતી. પોલીસે સંચાલકોની અટક કરી પ્રાથમિક પૂછપરછ કરતા એસએસવીબીના સંચાલકોએ 11થી 12 હજાર ગ્રાહકો બનાવીને રૂ. 18 કરોડનું ફંડ જમા કરાવ્યાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે.

વિજલપોર ખાતે એસએસવીબી બિઝનેસ ઈન્ડિયા નામની કંપની સંભાજીનગર ખાતે આવેલી છે, જેમાં ચેરમેન તરીકે શ્રીરંગ પ્રકાશ પોળ, ડિરેકટર વિક્રમ પ્રકાશ પોલ, બાલુભાઈ શ્રીલમ નંગી, વિનોદ સાહેબરાવ રસાળ કંપનીનું સંચાલન કરી રહ્યા છે. કંપની શરૂઆતમાં ફાયનાન્સનું કામ બાદ મલ્ટી સ્ટોર બનાવ્યા, જેમાં ખાદ્યસામગ્રીથી માંડી જીવનજરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરતા હતા. બાદમાં સંચાલકો દ્વારા વિવિધ પ્લાન બનાવીને ગ્રાહકોને આકર્ષવા માટે એજન્ટ પણ બનાવ્યા હતા. જેમાં અમુક રકમનું રોકાણ કરવાથી અમુક મુદતે મોટુ વળતર મળશે તેવી લાલચ આપીને તથા તેમના સ્ટોરમાં ડિસ્કાઉન્ટ મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. જેમાં કંપનીની શાખ સારી હોય વિજલપોર, નવસારી તથા આસપાસના વિસ્તારોની જનતાએ વિશ્વાસ રખી નાણાં રોક્યા હતા. મુદત પાકતા નાણા લેવા લોકો એસએસવીબીની કચેરીએ જતા હતા.

કબીલપોરના રહીશ મંજુલાબેન ઝવેરભાઇ રોહિતે ત્રણ પ્લાનના રોકેલા નાણાં રૂ. 1,37,550 લેવા જતા કંપનીના સંચાલકો દ્વારા ન આપતા વિજલપોર પોલીસ મથકે એસએસવીબીના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. શુક્રવારે એલસીબીએ પ્રાથમિક પૂછપરછ માટે એસએસવીબી કંપનીના સંચાલકોને લાવ્યા હતા. જેમાં પ્રાપ્ત વિગત મુજબ કંપનીમાં 11થી 12 હજાર ગ્રાહકોના અંદાજે રૂ. 18 કરોડ જેટલી રકમ રોકી હોવાની વિગત મળી હતી. વિજલપોરની એસએસવીબી કંપનીના સંચાલકોની પોલીસે વિજલપોરની એસએસવીબી બિઝનેસ ઈન્ડિયા કંપનીના 4 જેટલા સંચાલકો પૈકી ચેરમેન શ્રીરંગ પોલ, વિક્રમ પોલ, બાલુભાઈ નંગી અને વિનોદ રસાલની પોલીસે અટક કરી હતી. જેમાં હાલ વિજલપોર પાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન સોનાલી રસાલનો પતિ વિનોદ રસાલ હોય વિજલપોર પાલિકાના નગરસેવકો પણ એલસીબી કચેરીએ આંટાફેરઆ મારતા જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈ સમગ્ર નવસારીમાં ચકચાર જામી છે.

રૂ. 18 કરોડ ફંડ ક્યાં વપરાયું તેની તપાસ થશે
વિજલપોરની એસએસવીબી બિઝનેસ કંપનીની શરૂઆતમાં ફાયનાન્સ બાસ મલ્ટીસ્ટોર ખોલ્યા હતા. અને તે સારી ચાલતી હોય તેમણે વર્ષ 2013માં જુદા જુદા પ્લાન બનાવીને રોકાણ કરવાથી વધુ મળશે તેમ જણાવતાં લોકોએ પણ ઉત્સાહ દાખવીને ડિપોઝીટ ભરી હતી પણ પાકતી મુદતે નાણાં ચૂકવવા કંપનીના સંચાલકોએ વાયદા આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં 18 કરોડ ફંડ ભેગું કર્યું તો આ ફંડનો ઉપયોગ ક્યાં થયો તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

ભોગ બનનારાઓને એલસીબી કચેરીનો સંપર્ક કરવા અપીલ
વિજલપોરની એસએસવીબી બિઝનેસ ઈન્ડિયા કંપનીના સંચાલકોની પ્રાથમિક પૂછપરછમાં તેમની કંપનીમાં 11થી 12 હજાર લોકોએ રૂ. 18 કરોડથી વધુ રકમ રોકેલી હોવાનું જણાવ્યું હતું. એલસીબી આ કંપનીમાં અન્ય કોઈ ઇસમોએ રોકાણ કર્યું હોય અને પાકતી મુદતે નાણાં ન મળ્યા હોય તો તેમની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

વિવિધ સ્કીમો થકી ફંડ એકત્ર કરાયું
વિજલપોરની મલ્ટીસ્ટોર ચલાવતી એસએસવીબી બિઝનેસ ઈન્ડિયાના સંચાલકોએ રોકાણ માટે ઘણી લલચામણી સ્કિમ શરૂ કરી. જેમાં મંથલી સ્કિમમાં રિકરિંગ ખાતા ખોલી ગ્રાહકો પાસે દર માસે ચોક્કસ રકમ ઉઘરાવાતી હતી. ઉપરાંત ફિક્સ ડિપોઝીટની યોજનામાં 3થી 5 વર્ષ સુધી રોકાણ કરીને ઉંચા વળતરની લાલચ અપાતી હતી અને સ્માર્ટ શ્રીમતી યોજના હેઠળ ગૃહિણીઓ માટે અમુક રકમનું રોકાણ કરવાથી વર્ષ દરમિયાન એસએસવીબીની સ્ટોરમાંથી ડિસ્કાઉન્ટ મળી રહે અને અન્ય લલચામણી સ્કિમ પણ ગ્રાહકોને અપાતી હોવાની માહિતી મળી છે.