3 December 2018

લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ રહેતાં 32 હજારથી વધુ પરીક્ષાર્થી અટવાઈ પડ્યા


લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ રખાતા નવસારી જિલ્લામાં હજારો પરીક્ષાર્થી અટવાયા હતાં. નવસારી એસટી ડેપોએ મોટી સંખ્યામાં એકસાથે પરીક્ષાર્થીનો સમૂહ ભેગો થયો હતો અને હોહાનું વાતાવરણ ખડું થયું હતું. આજે રવિવારે નવસારી જિલ્લામાં પણ લોકરક્ષક દળ માટેની પરીક્ષા થનાર હતી. આ પરીક્ષા માટે નવસારી જિલ્લામાં 32310 પરીક્ષાર્થી નોંધાયેલા હતાં. આ પરીક્ષાર્થીઓ કુલ 75 બિલ્ડીંગનાં 1077 બ્લોકમાં પરીક્ષા આપનાર હતાં. જેમાં નવસારીમાં 28 બિલ્ડીંગ, જલાલપોરમાં 15, ગણદેવીમાં 16, ચીખલીમાં 15 અને ખેરગામ તાલુકામાં 1 બિલ્ડીંગનો સમાવેશ થાય છે. પરીક્ષાનો સમય બપોરે 3 થી 4 વાગ્યાનો હતો. 12.00 વાગ્યાથી તો પરીક્ષાર્થીઓએ કેમ્પસમાં એન્ટ્રી લઇ લીધી હતી. ફીંગર પ્રિન્ટની પ્રોસેસ પણ થઇ હતી.

ત્યારબાદ અચાનક જ 1.00 વાગ્યાના અરસામાં પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી દેવાઈ હતી. પરીક્ષા નહીં લેવાની જાણ થતાં જ માત્ર નવસારી જિલ્લામાંથી જ નહીં પરંતુ અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થી નિરાશ થયા હતાં. પરીક્ષા મોકૂફ રખાતા પરીક્ષા આપવા આવેલા પરત ઘરે જવા નીકળ્યા હતા. મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ એસ.ટી. બસ પકડવા નવસારી ડેપો ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં તુરંત પૂરતી બસ ન મળી હતી. જેને લઈને થોડો સમય હોહાનું વાતાવરણ પણ સર્જાયું હતું. સુરત યા સુરત જિલ્લામાં જતી મોટા ભાગની બસોમાં ભારે ધસારો થયો હતો. ધક્કામુક્કી પણ થઈ હતી. કેટલાકે તો બસ માટે ઘણો સમય રાહ પણ જોઈ હતી.

સુરતના વિદ્યાર્થીઓ નવસારીમાં અટવાયા
નવસારી જિલ્લામાં આજરોજ લોકરક્ષક દળની પરીક્ષા આપવા સુરતના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા, જેમાં કતારગામનાં ગોવિંદ રાણાએ જણાવ્યું કે તેઓ સવારે 5.00 વાગ્યાથી નવસારી આવવા નીકળ્યા હતાં. નવસારી શહેરમાં પરીક્ષા કેન્દ્ર-ખબર ન હોવાથી પૂછી પૂછીને શાળા શોધી હતી. જેમાં નવસારીનાં નવસારી, જલાલપોર, ગણદેવી તાલુકાઓની શાળામાં પરીક્ષા કેન્દ્ર હોય બસમાં કે ટ્રેનમાં નવસારી આવ્યા બાદ ત્યાંથી અન્ય તાલુકામાં જવા માટે વિદ્યાર્થીઓએ પરસેવો પાડ્યો હતો. પરીક્ષા કેન્દ્ર ખબર ન હોવાથી પૂછપરછ કરીને કેન્દ્ર શોધવામાં વિદ્યાર્થીઓને નવનેજા પાણી ઊતર્યા હતાં.

પરીક્ષા આપવા જોબ પણ છોડી
નવસારીમાં આજરોજ લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલ સુરતનાં વિદ્યાર્થી જયદીપ રાણાએ જણાવ્યું કે તેઓ આ પરીક્ષા આપવા માટે પોતાની રેગ્યુલર જોબ છોડીને ત્રણ માસથી મહેનત કરતા હતા પણ પેપર લીકની ઘટના થવાથી નિરાશાની લાગણી અનુભવી છે.

પૂરતી બસો ફાળવી હતી
સુરત, બીલીમોરા, વલસાડ વગેરે રૂટ માટે કુલ 25 બસો વધારે દોડાવી હતી. જેમાં 20 બસ તો સુરત તરફની જ હતી. અપૂરતી બસો હતી એ વાત ખોટી છે.- વિપુલ રાવલ, મેનેજર, નવસારી એસટી ડેપો.

યુનિની પરીક્ષા સાથે તૈયારી કરી
લોકરક્ષક દળમાં જરૂરી લાયકાત ધો.12 પાસ હોય ઘણા વિદ્યાર્થીઓ કોલેજનાં પ્રથમ, દ્ધિતિય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા હોય છે. હાલ વીર નર્મદ યુનિ. સુરત દ્વારા પ્રથમ દ્ધિતિય, તૃતીય વર્ષની રેગ્યુલર પરીક્ષા ચાલી રહી છે અને તેઓ કોલેજની પરીક્ષાની તૈયારી સાથે સરકારી નોકરીની તૈયારી કરી હતી પણ તંત્રની બેદરકારીને કારણે મહેનત પર પાણી ફેરવાયું છે. તેમ સુરતનાં કતારગામ ખાતે રહેતા નરેન્દ્ર રાણા, જયદીપ રાણા, જગતસિંહ રાણાએ જણાવ્યું હતું.