5 December 2018

નવસારીના જાણીતા વકીલ સામે મહિલાની છેડતી કરી બિભત્સ માંગણીની ફરિયાદ


નવસારીના જાણીતા વકીલ કનુભાઈ સુખડિયા પાસેથી થોડા દિવસ અગાઉ કરેલી અરજી અને સીડી લેવા પહોંચેલી નવસારીની એક મહિલાએ ફીસ મુદ્દે વકીલ સાથે ઝઘડો થયા બાદ તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટની બહાર અભદ્ર માંગણી કરી હોવાના આક્ષેપો સાથે મેથીપાક ચખાડતા કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે મહિલાએ મોડી સાંજે નવસારી ટાઉન પોલીસ મથકે વકીલ સામે છેડતી અને અભદ્ર માંગણી કર્યાની ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે સામે પક્ષે વકીલના સહયોગીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ઘટનાની જાણ કરી હતી તેમજ વકીલે નવસારી જિલ્લા બાર એસોસિએશનમાં લેખિત ફરિયાદ કરી હોવાની માહિતી સાંપડી હતી.

મળતી માહિતી અનુસાર, નવસારીના જાણીતા વકીલ કનુભાઈ સુખડિયા પાસે નવસારીની જ એક મુસ્લિમ મહિલાએ એક મહિના અગાઉ તેમના પતિને કોઈક અજાણ્યાએ મારવાની ધમકી આપી હતી, જે અોડિયો ક્લીપ વાયરલ કરી હતી, જેની ફરિયાદ મહિલાએ નવસારી ટાઉન પોલીસ મથકે કરાવી હતી. જેમાં ફરિયાદ અને અોડિયો ક્લીપની સીડી કનુભાઈએ પોતાની પાસે રાખી લીધી હતી. પરંતુ બાદમાં ફરિયાદીને વકીલ કનુભાઈનો સ્વભાવ વ્યવસ્થિત ન લાગતા તેમણે ફરિયાદની કોપી અને અોડિયો ક્લીપની સીડી તેમની પાસેથી પાછી માંગી હતી. પરંતુ કનુભાઈએ ફરિયાદ અને સીડી આપી ન હતી. દરમિયાન આજે મહિલા ફરી વકીલ કનુભાઈ પાસે ફરિયાદની કોપી અને સીડી લેવા ગઇ હતી. ત્યારે વકીલ કનુભાઇએ મહિલાને જણાવ્યુ હતુ કે, અરજીની નકલ જાઇએ તો ૧૦ હજાર રૂપિયા આપવા પડશે.

જેથી બંને વચ્ચે રકઝક થઇ હતી. બાદમાં વાત ૫ હજાર રૂપિયા પર આવીને અટકી હતી. જાકે મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, કનુભાઈએ ૫ હજાર રૂપિયા ન હોય, તો મને ખુશ કરી દેજે અને તુ કહે તે જગ્યાએ આપણે જઇશુ. એવુ કહીને મહિલાની છેડતી કરતા આક્રોષિત મહિલાએ વકીલ કનુભાઈને કોર્ટ પરિસરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. આ બાબતે મહિલાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા પીએસઆઈ એસ. એફ. ગોસ્વામીએ આગળની તપાસ હાથ ધરી છે.

મારી પર લગાવાયેલા આરોપો ખોટા છે : વકીલ
બીજી તરફ વકીલ કનુભાઈ સુખડિયાને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, મારા ઉપર લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયા વિહોણા છે. મહિલા પાસે મારે ફી પેટે રૂપિયા લેવાના હતા અને જે મેં માંગ્યા હતા. પરંતુ ફી ન આપવા મુદ્દે તેણે મારી સાથે કોર્ટ પરિસરમાં જ ઝઘડો કર્યો હતો અને અચાનક મારવા લાગી હતી. જાકે આ કોર્ટ પરિસરમાં મહિલા ધ્વારા માર મારવા મુદ્દે જિલ્લા બાર એસોસિએશનમાં બપોરે જ લેખિતમાં ફરિયાદ આપી છે સાથે જ મારી સહયોગી ફાલ્ગુનીબેને પણ પોલીસ કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર ઉપર આ મુદ્દે ફરિયાદ આપી હતી.

photo: sandesh.com