6 December 2018

વિજલપોરનો RCC માર્ગ ઉખડવાનું શરૂ


વિજલપોરમાં આશાપુરી મંદિરથી સરદાર ચોક સુધી બનાવાયેલા આરસીસી રોડ 4-6 મહિનામાં જ કેટલીય જગ્યાએ ઉખડીગયો છે. ડામર રોડની જગ્યાએ ટકાઉ લાંબો સમય ચાલે તે માટે આરસીસી રોડ બનાવવામાં તો આવ્યો પરંતુ તે પણ ઉખડી જવાની શરૂઆત થતા કામગીરી ઉપર સવાલો સર્જાયા છે.

વિજલપોર શહેરમાં અગાઉ મોટાભાગના રસ્તા ડામરરોડ હતા પરંતુ તે પૂરતા ટકાઉ ન રહેતા પાલિકાના શાસકોએ મુખ્ય માર્ગ સહિતના અનેક માર્ગ આરસીસી બનાવવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે આશાપુરી મંદિરથી સરદાર ચોક (સુશ્રૃષા હોસ્પિટલ) સુધીનો માર્ગ પણ આરસીસી બનાવવાનું આયોજન કરાયું હતું. ચોમાસા અગાઉ જ આ રસ્તો આરસીસી બનાવવામાં આવ્યો હતો. જોકે આ રસ્તાની ‘પોલ’ થોડા જ સમયમાં ખુલવા લાગી છે. સામાન્યત: આરસીસી રોડ ટકાઉ હોય છે અને અનેક વર્ષ ચાલે છે પરંતુ આશાપુરી માર્ગમાં આવું બન્યું નથી. માર્ગ બન્યાના 4-6 મહિનામાં જ માર્ગ કેટલીય જગ્યાએ ઉખડી ગયો છે.

ગાબડા પડ્યા છે. આ ગાબડાઓ જોઈ શહેરીજનોમાં કામ પ્રત્યે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આરસીસી રોડ આવો હોય છે. થોડા સમયમાં જ ગાબડા પડે છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ આખોય માર્ગ ખરાબ નથી. કેટલીક જગ્યાએ સારુ કામ પણ થયું છે. આશાપુરી મંદિરની નજીક સારો દેખાય છે જ્યારે કેટલીક જગ્યાએ કાંકરા બહાર આવી રહ્યા છે. શું પાલિકા પગલાં લેશે કે પછી ઢાંકપિછોડો જ કરશે.