7 December 2018

નવસારી લઘુ ઉદ્યોગકારો માટે સંમેલન યોજાયું


90ના દાયકામાં ભારતમાં વૈશ્વિકરણ અને ઉદારીકરણ નીતિ અપનાવતા લઘુઉદ્યોગોને રાજ્ય તેમજ રાષ્ટ્રીય આશ્રય મળતો બંધ થયો. મોટા ઉદ્યોગો અને મલ્ટીનેશનલ કંપનીઓ સાથે સીધી હરિફાઈમાં ઉતરવાનું થતા ઘણાં ઉદ્યોગો મૃત:પ્રાય થઈ ગયા ત્યારે તેમના અનેક પ્રકારના પ્રશ્નોને રાજ્ય અને કેન્દ્રીય સ્તરે વાચા આપવા રાષ્ટ્રીય સંગઠન લઘુઉદ્યોગ ભારતી શરૂ થયું.

છેલ્લા 25 વર્ષથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરી લઘુઉદ્યોગોને નવજીવન બક્ષવાના સફળ પ્રયત્નો કરી રહેલા લઘુઉદ્યોગ ભારતી રાષ્ટ્રીય સંગઠનની નવસારી જિલ્લા શાખાના સ્નેહમિલન પ્રસંગે સપરિવાર ઉદ્યોગ સંમેલન મદારીયા ભવન ખાતે યોજાયું હતું. આ સમારંભમાં લઘુઉદ્યોગ ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ જોષી હાજર રહી સંગઠનના ઉદ્દેશ્યો, લક્ષ્યો, પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની વાત કરી સંગઠનની જરૂરિયાત પર ભાર મુકી સંગઠિત હોઈશું તો ટકીશુ તેમ સમજાવ્યું હતું.

સંમેલન સમારંભના મુખ્ય અતિથિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મિતેષભાઈ લાડાણીના દ્વારા સરકારની લઘુ ઉદ્યોગકારને ઉપયોગી એવી વિ‌વિધ સહાયક યોજનાની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર શર્મા તથા તેમના સહયોગી દ્વારા લઘુ ઉદ્યોગકારને ઉપયોગી બેંકની ધિરાણ નીતિઓ તથા સરકારની યોજનાઓ અંતર્ગત આપવામાં આવતા લાભો વિશે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી લઘુ ઉદ્યોગકારોને દરેક રીતની સહાય અને માહિતી પૂરી પાડવા માટે તત્પરતા દર્શાવી હૂંફ પૂરી પાડી હતી.સંમેલનના મુખ્ય મહેમાન પૂર્વે કેબિનેટ મંત્રી મંગુભાઈ પટેલે સરકારની વિવિધ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા તથા બેંકો દ્વારા અપાતા ધિરાણો તથા તાજેતરમાં ઘોષિત થયેલી 59 મિનિટમાં લોન સ્કિમનો લાભ લેવા માટે આહવાન કર્યું હતું.

ભવિષ્યમાં પણ લઘુ ઉદ્યોગકારોને ઉપયોગ માહિતી મળી રહે એવા કાર્યક્રમો યોજવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે સૂચવ્યું હતું. સાંસદ સભ્ય સી.આર. પાટીલે શુભેચ્છા સંદેશ પાઠવીને શુભેચ્છા આપી હતી. જિલ્લાના લઘુઉદ્યોગ ભારતીના મંત્રી ગોરધનભાઈ પટેલે સંસ્થાની માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખ અનુપભાઈ રાઠોડ દ્વારા આભારવિધિ કરી હતી.