8 December 2018

દશેરા ટેકરી નજીક નવું ગ્રામ્ય પોલીસ મથક બનાવવા તજવીજ શરૂ


નવસારી ગ્રામ્ય પોલીસ મથક હવે આમડપોર ગામેથી પુન: નવસારી શહેરના દશેરા ટેકરી કુમાર છાત્રાલયની પાછળ બનનાર હોય ગતરાત્રિએ સ્થાનિક રહીશો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેને લઈને આવતા અઠવાડિયામાં આઈજીના હસ્તે આ જગ્યાનુ ખાતમુહૂર્ત થવાની ચર્ચા શરૂ થઈ હતી.

નવસારી ગ્રામ્ય પોલીસ વર્ષોથી શહેરના સિલોટવાડ પાણીની ટાંકી પાસે હતી. જ્યાંથી 80થી વધુ ગામોના સુરક્ષા તથા વહીવટના કાર્યો ચાલતા હતા. બે વર્ષ અગાઉ આ જગ્યા નવસારી પાલિકાની માલિકીની હોય અને પાણીની ટાંકી બનનાર હોય તે જગ્યા ખાલી કરાવવા જણાવ્યું હતું અને ત્યાંથી નવસારી ગ્રામ્ય પોલીસ મથકનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આમડપોર ગામે નવસારી ગ્રામ્ય પોલીસ કાર્યરત હતું. જોકે નવસારી પ્રશાસન દ્વારા ગ્રામ્ય પોલીસ મથક માટે દશેરા ટેકરી કુમાર છાત્રાલય પાછળ આવેલી જગ્યા ફાળવેલી હતી પરંતુ ત્યાં શાળા પણ આવેલી હોય કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ ગતરોજ પુન: આ જગ્યા ઉપર સ્થાનિકો દ્વારા કરાયેલા દબાણ પોલીસની હાજરીમાં દૂર કરાયા હતા.

નવસારી ગ્રામ્ય પોલીસના નવા હેડકવાર્ટરનું ખાતમુહૂર્ત ઉચ્ચ પોલીસ અધિકારીના હસ્તે આવનારા નજીકના દિવસોમાં થનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નવસારી ગ્રામ્ય પોલીસના તાબા હેઠળ 80થી વધુ ગામો હતા પરંતુ હાલ મરોલી પોલીસ મથક બનવાના કારણે અમુક ગામો તે વિસ્તારમાં સમાવિષ્ટ થયા હોવાનું તથા જલાલપોર પોલીસના અમુક વિસ્તારો ઉમેરાતા હાલ 70થી વધુ ગામોની સુરક્ષા નવસારી ગ્રામ્ય પોલીસના હાથમાં રહેલી છે. નવસારી ગ્રામ્ય પોલીસ મથક હવે એસપી કચેરી નજીક આવતા વહીવટમાં સરળતા થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

નવસારી ગ્રામ્ય પોલીસ મથકનું મહેકમ
નવસારી ગ્રામ્ય પોલીસમાં 4 બીટ છાપરા, જીઆઈડીસી, ગ્રીડ અને વેસ્મા આવે છે. જ્યારે બે આઉટપોસ્ટ મુનસાડ અને વેસ્મા તેમજ સ્ટાફમાં 1 પોલીસ ઈન્સ્પેકટર, 4 પોલીસ સબ ઈન્સ્પેકટર અને 80 જણાનો કુલ સ્ટાફ કામગીરી બજાવશે.

ગ્રામ્ય પોલીસ મથકની જગ્યા ખુલ્લી કરાતા સ્થાનિકોએ ફરિયાદ કરી
નવસારી ગ્રામ્ય પોલીસ જ્યાં બનનાર છે તે દશેરા ટેકરીના કુમાર છાત્રાલયની પાછળ આવેલી જગ્યા ઉપર દંતાણી સમાજના ત્રણથી ચાર ઘર હતા. ગતરાત્રિએ પોલીસ બંદોબસ્ત હેઠળ આ જગ્યા ખુલ્લી કરાતા અહીં રહેતા લોકોએ એડવોકેટ પ્રદીપ ગડઅંકુશની આગેવાનીમાં કલેકટરને ઉદ્દેશીને ફરિયાદ કરી હતી.