8 December 2018

નવસારીની સરકારી કચેરીમાં કલેકટરના ચેકીંગમાં ૧૬૦ કર્મચારીઅો ગેરહાજર જણાયા


નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા શુક્રવારે જિલ્લાની જુદી જુદી ૨૮ સરકારી કચેરીઓમાં આકસ્મિક તપાસ કરતા ૧૬૦ અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર, રજા પર અથવા વિભાગના વડા જ ગાયબ જણાયા હતા. જેને કલેક્ટરે ગંભીરતાથી લઇને વિભાગના વડા મારફતે ખુલાસા મંગાવતા ચકચાર મચી જવા પામી છે. સાથ જે અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સમય પર તેમના વિભાગોમાં હાજરી આપે અને તેના કારણે પ્રજાના કામો સમય મર્યાદામાં પુરા થાય ઍવા ઉદ્દેશ સાથે નવસારી જિલ્લા કલેક્ટર ડો. ઍમ. ડી. મોડિયા દ્વારા શુક્રવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યાના સુમારે જિલ્લાની વિવિધ કચેરીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરે જિલ્લા મથકે આવેલી અલગ-અલગ વિભાગની કુલ ૨૮ કચેરીઓમાં તપાસ કરતા મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓ કચેરીમાં જણાયા ન હતા. જેમાંથી ૧૨૯ અધિકારી-કર્મચારીઓ ગેરહાજર હતા. જ્યારે ૧૫ અધિકારી-કર્મચારીઓ રજા પર હોવાનું જાણવા મળ્યુ હતુ.

સૌથી મહત્વની વાત ઍ રહી કે ૨૮ કચેરીઓમાંથી ૧૬ વિભાગોના વડાઓ જ ખુદ ગેરહાજર જણાતા કલેક્ટર ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલાને કલેક્ટરે ગંભીરતાથી લઇને સંબંધીત વિભાગોના વડા મારફતે ગેરહાજર રહેનારા અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી હતી. જિલ્લા કલેક્ટરની આકસ્મિક તપાસ અને તેમાં ગેરહાજર જણાયેલા અધિકારીઓ સામે પગલા લેવાની વાતથી સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.