9 December 2018

રાજ્યની 16 પૈકી નવસારીની ત્રણ શાળાને સ્વચ્છતા એવોર્ડ


નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલ અને સીમા ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયને ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારોમાં આવેલી માધ્યમિક શાળાનો સ્વચ્છ વિદ્યાલયનો રાજ્યકક્ષાનો પુરસ્કાર મળ્યો છે. શાળાના આચાર્ય રાજેષભાઈ ટંડેલ અને વિદ્યાર્થીઓ ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ. 30 હજારનો ચેક ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે એન સચિવના હસ્તે સ્વીકાર્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા સમારંભમાં રાજ્યના 4 શહેરો બોટાદ, નવસારી, સુરેન્દ્રનગર અને વડોદરાની શાળાઓને તથા ગ્રામ્ય વિસ્તારની 12 શાળાને રાજ્ય કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત થયો હતો. જેમાં નવસારી જિલ્લાની બે, જામનગર જિલ્લાની 3, જૂનાગઢની 1, મોરબીની 2, તાપી જિલ્લાની 1, વલસાડ જિલ્લાની 2 તથા વડોદરા જિલ્લાની 1 શાળાના સમાવેશ થાય છે. નવસારી કેળવણી મંડળના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઠાકોરભાઈ નાયક, મંત્રી તુષારકાંત દેસાઈ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

બોદાલી શાળાના આચાર્ય વિદ્યાર્થી એવોર્ડ સ્વીકાર્યો

જલાલપોર તાલુકાના બોદાલી ગામની પ્રાથમિક શાળા સરસ્વતી મંદિરને રાજય કક્ષાનો સ્વચ્છતા વિદ્યાલય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કાંઠા વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓ પૈકીની બોદાલી ગામની એક માત્ર સરસ્વતી મંદિરે રાજય કક્ષાનો સ્વચ્છતા વિદ્યાલય પુરસ્કાર પ્રાપ્ત કરી બોદાલી ગામ તથા સમગ્ર કાંઠા વિસ્તારનું નામ રાજય ફલક પર ઉજાગર કર્યુ છે. શાળાને આ પુરસ્કાર ગાંધીનગર ખાતે રાજય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન તથા રાજયના શિક્ષણ સચિવ વિનોદરાવના હસ્તે શાળાના આચાર્ય શંકરભાઇ પટેલ તથા કુમારી દિશા પટેલ અને રાકેશ હળપતિને એનાયત કરવામાં આવ્યો હતો.

રાનકૂવા હાઈસ્કૂલને પણ પુરસ્કાર અર્પણ 
સ્વચ્છ વિદ્યાલય 2017 અંતર્ગત ઓનલાઈન એન્ટ્રી મંગાવાય હતી. એન્ટ્રીની સ્થળ તપાસ કરી શ્રેષ્ઠ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. રાજ્યની ગ્રાન્ટેડ શાળા પૈકી 16 શાળાની નેશનલ માટે પસંદગીમાં બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઇ.ની પસંદગી થઈ હતી. આચાર્ય સંજયકુમાર પરમાર, નિરીક્ષક પરેશભાઈ, શિક્ષિકા જીજ્ઞાસાબેન અને વિદ્યાર્થીઓ પ્રેરણા રાઠોડ અને અલકેશ આહિરે સમારંભમાં સન્માન સ્વીકાર્યું હતું.