10 December 2018

દારૂની મહેફિલ માણતા 3 NRI સહિત 23 ઝડપાયા


નવસારીના પોશ વિસ્તાર અને શાંત ગણાતા નૂતન નગર સોસાયટીના બંગલા નં. 20મા દારૂની મહેફિલ થતી હોવાની પોલીસ કંટ્રોલને મળેલી ફરિયાદના આધારે મધરાત્રિએ રેડ કરતા 4 મહિલા સહિત 23 ઈસમોને ટાઉન પોલસે ઝડપી લીધા હતા. આ 23 ઈસમોમાં 3 એનઆરઆઈ ઈસમોને પણ દારૂ પીતાં પોલીસે ઝડપી લઈને રૂ. 2150નો મુદ્દામાલ પણ કબજે કર્યાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

નવસારીના દૂધિયા તળાવ પાછળ આવેલા નૂતનનગર સોસાયટીના બંગલા નં. 20માં ગતરાત્રિએ યુવાનો ઘોંઘાટ કરી રહ્યા હોય તે બાબતે કોઈએ નવસારી પોલીસ કંટ્રોલ મથકે જાણ કરી હતી. જેથી ટાઉન વિસ્તારના વુમન પોસઈ એસ.કે. ગામીત તથા સ્ટાફે રેડ કરી હતી. જેમાં 23 જેટલા ઈસમો દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બે ટીન બિયર તથા અલગ અલગ વ્હિસ્કીની બોટલો મળી કુલ રૂ. 2150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારીમાં એક યુવકના લગ્ન હોય તેના મિત્રો આવ્યા હતા. જેમાં નવસારી, સુરત, મુંબઈ તથા મહારાષ્ટ્રના યુવાનો ભેગા મળીને પાર્ટી કરવાનો વિચાર આ‌વ્યો હતો. મળસકે 4.15 વાગ્યાના સુમારે યુવાનો ઘોંઘાટ કરતા હતા. આ બાબતે નવસારી કંટ્રોલ રૂમમાં કોઈકે ફરિયાદ કરતા ટાઉન પોલીસે મળસ્કે જ રેડ કરીને 4 મહિલા સહિત 23 ઈસમોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની હે.કો. વિપુલ ખંડુભાઈએ ફરિયાદ આપતા વુમન પોસઈ એસ. કે. ગામીત તપાસ કરી રહી છે.

કોર્ટમાં રજૂ કરાતા 15 મિનિટ ટ્રાફિક જામ
નવસારીમાં દારૂના નશામાં ઘોંઘાટ કરનારા 23 જણાંને મળસ્કે પોલીસે ઝડપી લીધા હતા. તેમને બપોરે 12.30 વાગ્યા પછી કોર્ટમાં લઈ જવાયા ત્યારે તમામે મોંઢા ઉપર રૂમાલ બાંધી ઓળખ છુપાવી હતી. તેમને જ્યારે પોલીસવાનમાં બેસાડવામાં આવ્યા ત્યારે તેમને જોવા લોકો ઉભા રહી જતા 10થી 15 મિનિટ માટે ટાઉન પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

નવસારી પોલીસે ઝડપી પાડેલા આરોપી
અનિતા પટેલ (દુધિયા તળાવ), હિમા ચોકસી (ગણદેવી રોડ) અદિતી મહેતા (સાંઢકૂવા રોડ) ભૂમિ દોશી (ગોવાલિયા ટેન્ક, મુંબઈ) પાર્થ મહેતા (સાંઢકૂવા રોડ)દેવેન ધકાણ (ઉ.વ. 29 બોરીવલી વેસ્ટ, મુંબઈ) જવલ ચોકસી (ઉ.વ. 29, ગણદેવી રોડ) જયનીશ મહેતા (ઉ.વ. 30, લાલ બંગલા, સુરત)આગમ દોશી (ઉ.વ. 30 ગોવાલિયા ટેન્ક, મુંબઈ) ભાવિન ગાલા (ઉ.વ. 31મલાડ મુંબઈ) જયનીશ ભાસ્કર (ઉ.વ. 35 અઠવા લાઇન્સ સુરત) ફરસીદ કાંગા (ઉ.વ. 26, મહેર એપાર્ટમેન્ટ) જીમી જૈન (ઉ.વ. 28 મંકોડીયા નજીક) મનિષ અગ્રવાલ (ઉ.વ. 27 બારડોલી રોડ) મૃગેન ચૌહાણ (ઉ.વ. 29, જમાલપોર) આદિત્ય શેઠ (ઉ.વ. 29 શાંતાદેવી રોડ)અક્ષિત સંઘવી (ઉ.વ. 29 લોઅર પરેલ, મુંબઈ)ઈશાન ઝવેરી (ઉ.વ. 29 લક્ષ્મી મહેલ, મુંબઈ) જીગીશ ચોકસી (ઉ.વ. 29 ગણદેવી રોડ)બ્રિજેશ કંસારા (ઉ.વ. 30, જયશંકર પ્લોટ નજીક) પાર્થ પટેલ (ઉ.વ. 28, આશાનગર) અક્ષય દોશી (ઉ.વ. 29 ગોવાલિયા ટેન્ક, મુંબઈ) અને અર્પિત શાહ (ઉ.વ. 29, માણેકલાલ રોડ)નો સમાવેશ થાય છે.

અમારા પર કોઈ રાજકીય દબાણ નથી કરાયું
અમારા ઉપર કોઈ રાજકીય દબાણ નથી. તમામ 23 જણાં સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. જેમાં 4 મહિલા, 7 મહારાષ્ટ્રના, 3 એનઆરઆઈ તથા જેના લગ્ન થનાર છે એ વરરાજા પણ સામેલ છે. - એસ.એમ. સગર, પીઆઈ, નવસારી ટાઉન પોલીસ