11 December 2018

નવસારી પોલીસ નબીરાઓને બચાવવા માટે નાનાલાલ જવેલર્સના ખોળે બેઠી!


નવસારીના જૈન અગ્રણીને ત્યાં લગ્નપ્રસંગે યોજાયેલી દારૂની મહેફિલ અને પોલીસનો દરોડો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. નવસારીના નામીચા જવેલર્સના ખોળે બેસી પોલીસે નશાખોર નબીરાઓને કાનૂની રાહત મળે તેની ગોઠવણ કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા 23 જણાં પૈકી નવસારીમાં જવેલરીનાં ધંધામાં વરસોથી મોટું નામ ધરાવતી પેઢીનાં બે નબીરાઓ જવલ હિમાંશુ ચોકસી તથા જીગીશ હિમાંશુ ચોકસીએ જૈન સમાજનાં અગ્રણીને ત્યાં લગ્ન હોવાથી તેમના પિતાની વગનો ઉપયોગ કરીને બ્રાન્ડેડ અને અતિ કિંમતી દારુની બોટલોની વ્યવસ્થા કરી હતી પરંતુ પોલીસે તેનું મૂલ્ય માત્ર રૂ. ૨૩૦૦ જ આંક્યું હતુ. વાસ્તવમાં જે બ્રાન્ડનો દારુ એ મહેફિલમાં પીવાઈ રહ્યો હતો તેની કિંમત રુપિયા ૨૫ હજારથી પણ વધુ હોવાની ચર્ચા છે.

બીજી તરફ આ બંને ભાઈઓ તેમનાં પિતા હિમાંશુ ચોકસી દ્વારા પોલીસ ઉપર કેટલું  દબાણ લાવ્યા હતા કે દારુનાં મૂલ્યનું તો અવમૂલ્યન થઈ ગયું પણ સાથો સાથ મહેફિલ માણી રહેલા ૨૩ શોખીનો પૈકી કોઈનાં મોબાઈલ કે વાહનો પોલીસે કબજે લીધા ન હતા. પોલીસને બંગલામાંથી યુ.કે.ની જોની વોકર ડબલ બ્લેકની વપરાયેલી બોટલ મળી આવી હતી. જોની વોકર ડબલ બ્લેકને કિંમત જ રૂ ૭૦૦૦ થાય છે. એ ઉપરાંત ઈટાલિયન લિકરની પણ એક બોટલ મળી આવી હતી. પોલીસે બે ભાઈઓ જવલ અને જીગીશ તથા તેમનાં પિતા હિમાંશુ ચોકસીનાં દબાણમાં દારુનો જથ્થો પણ એટલી ઓછી માત્રામાં બતાવ્યો કે જેથી તમામને સરળતાથી જામીન મળી શકે. હિમાંશુ ચોકસીની વગને પગલે પોલીસે વરરાજા તથા અન્ય બે ત્રણ મહિલાઓને વહેલી સવારે ઘરે જવાની છૂટ આપી હતી અને બપોરે મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાના સમયે બોલાવી લીધા હતા. પોલીસે પીવાઈ ગયેલા દારુની બોટલો ઉપરાંત વપરાયા વગરનો દારુનો જથ્થો બંગલામાં હતો તેને કબજે લીધો ન હતો. આમ નવસારીમાં વિખ્યાત જવેલર ગણાતા હિમાંશુ ચોકસીએ એમના પુત્રો અને પુત્રોનાં મિત્રોને બચાવવા ભૂંડી ભૂમિકા ભજવી હતી જેની ચર્ચા નવસારીમાં ચોરે ને ચૌટે થઈ રહી છે.

ગરીબો પર ત્રાસ ગુજારતી પોલીસે વગદારોનો કેસ ઢીલો કરી નાખ્યો
પોલીસ કોઈ ગરીબ, સાધારણ કે મધ્યમવર્ગના ઇસમોને દારુ પીધેલાની હાલતમાં પકડે છે ત્યારે તેની ઉપર જે ત્રાસ ગુજારાય છે તે તો દારુ પીનારા જ જાણતા હોય છે. જ્યારે પૈસાપાત્ર ઘરનાં લોકો દારુની મહેફિલ માણતા પકડાય તો તેમની સામે કેસ તો થાય છે પરંતુ સાથે સાથે તેઓની બધી સગવડતાઓ પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં પણ કેસ એટલો નબળો બનાવવામાં આવે છે કે તેઓને સરળતાથી જામીન પણ મળી જાય.

બ્રાન્ડેડ વિસ્કી-બિયર મળ્યા હતા
પોલીસે જ્યાં મહેફિલ ચાલી રહી હતી તે જગ્યાએથી બ્રાન્ડેડ દારુની બોટલ્સ તથા બ્રાન્ડેડ બીયરના ટીન મળી આવ્યા હતા. જેમાં હેનીકેન પ્રિમીયમ ક્વોલિટી ટીન બીયર, જોની વોકર ડબલ બ્લેક બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી, સિગ્નેચર પ્રિમીયમ ગ્રેઈન વ્હિસ્કી માસ્ટર બ્લેન્ડર, બાલેન્ટીનેશ ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી, ડિસારોનો ઓરિજીનલ ઈટાલીયન લિકર તથા વેસે સાઉવેગેનોન બ્લાંકનો સમાવેશ થાય છે.

CCTV ફૂટેજ ભાંડો ફોડી શકે
આ પ્રકરણમાં સી.સી.ટી.વી. કેમેરાની મહત્વની ભૂમિકા ભજવે તેમ છે. જે વાહનો પોલીસે છોડી મૂક્યા હતા તેમાં પણ મોંઘી બ્રાન્ડનો દારુ હોવાની વાત ચોક્કસ બહાર આવે તેમ છે અને ચોકસી ફેમીલીની બચાવ કરવાની પ્રવૃત્તિ છતી થાય તેમ છે. પોલીસ પર રાજકારણી અને વેપારીનું પ્રેસર હોય તેવું ચિત્ર કદાચ સી.સી.ટી.વી. કેમેરાની ફૂટેજ પરથી ઉપસી આવે તેમ છે.