12 December 2018

વિજલપોર તળાવ 72 લાખ ફૂંકીને પણ કોરું ધાકોર, હવે નવી લોલીપોપ


72 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલા વિજલપોરનું ગામ તળાવ બે વર્ષમાં જ બિસમાર બની ગયું છે ત્યાં હવે પાલિકાએ બ્યુટીફિકેશન વિકાસના નામે પુન: આજ તળાવમાં નવો પ્રોજેકટ કરવાનો નિર્ણય લીધો છે. યોજના અંતર્ગત વિજલપોર પાલિકાએ પણ શહેરના તળાવોના વિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત પાલિકા કચેરી નજીકના ઘેલખડી રોડ ઉપરના ‘ગામતળાવ’નો વિકાસ કરવાનું આયોજન પણ કરાયું હતું. આ આયોજન અંતર્ગત તળાવને ઉંડું કરવામાં આવ્યું, પાળા બનાવાયા, બ્લોક, ફેન્સિંગ વગેરે કામ કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. 72 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બે વર્ષ અગાઉ ગામ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે બે જ વર્ષમાં તળાવ બદસૂરત બની ગયું.

તળાવની અંદર બનાવાયેલા ‘પાળા’ ઠેર ઠેર ઉખડી ગયા છે. બ્લોક પણ અનેક જગ્યાએ ઉખડી ગયા છે. ફેન્સિંગ પણ એક-બે જગ્યાએ તૂટી ગયું છે. તળાવમાં ઝાડીઝાંખરાં ઉગી નીકળ્યાં છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે તળાવના બ્યુટીફિકેશન, વિકાસ માટે સૌથી જરૂરી ‘પાણી’ જ તળાવમાં ભરાયું નથી. હાલ પણ તળાવ ખાલી જ છે. આમ લાખો ખર્ચ કરાયા છતાં બે જ વર્ષમાં ગામતળાવ બિસમાર થઈ ગયું છે. જ્યાં આ ગામતળાવ બ્યુટીફિકેશન, નવીનીકરણનો આગળનો પ્રોજેકટ લગભગ નિષ્ફળ ગયો છે ત્યાં પુન: પાલિકા આજ તળાવનો વિકાસ કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં મળેલી પાલિકાની બાંધકામ સમિતિની બેઠકમાં ગામતળાવના વિકાસનો નિર્ણયને મંજૂરી અપાઈ હતી. આ માટે કન્સલ્ટન્ટ નીમવામાં આવશે. તળાવ નજીક બાળકો માટે પાર્ક, સિનિયર સિટિઝનો માટેની વ્યવસ્થા વગેરેની વિચારણા ચાલી રહી છે.

તળાવનું રિપેરિંગ ન થતાં કોન્ટ્રાકટરને સિક્યુરિટી ડિપોઝિટ ન અપાઈ
વિજલપોર પાલિકાનું ગામતળાવ નવીનીકરણ કરાયાના બે જ વર્ષમાં બિસમાર બન્યું છે. આ તળાવ ઘણાં સમયથી બિસમાર બન્યું છતાં રિપેરિંગ કરાયું નથી. જેને લઈને પાલિકાએ કોન્ટ્રાકટરની સિક્યુરિટી ડિપોઝિટ ન આપી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.

વિકાસ કરવા સરવે કરાશે
ગામતળાવના વિકાસ કરવા માટે સરવે કરાશે. જે બિસમાર બન્યું છે. તેમાં રિપેરિંગ કરવામાં આવશે. જે થોડી જગ્યાઓ છે ત્યાં ગાર્ડન બનાવવાની પણ વિચારણા છે. પાણી માટે નજીકના કાલીતળાવમાંથી પાઈપલાઈન નાંખવાની વિચારણા છે. સોસાયટીઓનું વરસાદી પાણી તળાવમાં લાવી શકાય! મફતલાલ મિલમાં જે પાણી જાય છે તે પણ માંગણી કરાઈ છે. - દશરથ પટેલ, ચેરમેન, બાંધકામ સમિતિ, વિજલપોર પાલિકા