13 December 2018

નવસારીમાં ઝૂંપડાં ખાલી કરવાની નોટિસ અપાતાં વિરોધ


નવસારી નગરપાલિકા દ્વારા દેવીનાપાર્ક વિસ્તારમાં 150થી વધુ સમયથી રહેતા 3 ગરીબ આદિવાસીના ઝૂંપડા તોડવાની નોટીસ આપી હતી. જેથી તેમણે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન કરાતા બુધવારે નાછૂટકે કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપી પાલિકા દ્વારા ઝૂંપડા હટાવાશે તો ગાંધીચીધ્યા માર્ગે આદોલનની ચીમકી આપી હતી.

નવસારી પાલિકા દ્વારા દેવીનાપાર્કની સામે આવેલી અને પ્રતિક્ષા સોસાયટી પાછળ છેલ્લા ઘણાં સમયથી ત્રણ આદિવાસી પરિવારો રહે છે. હાલ આ વિસ્તારની નવસારી પાલિકાના ટીપી સ્કીમ નં. 3માં આવી જાય છે. આ ઝૂંપડાને દૂર કરવા માટે નવસારી પાલિકા દ્વારા નોટીસ અપાઈ હતી. આ બાબતે અશોક ગુલાબભાઈ, સુરેશભાઈ ગુલાબભાઈના પરિવાર મળી ત્રણ પરિવારોએ પાલિકામાં જણાવ્યું કે તેઓની ચાર પેઢી અહીં મોટી થઈ છે.

આ રહેઠાણો ખાલી કરીશું તો હાલમાં ઠંડીની મોસમમાં રસ્તા ઉપર આવી જશું. હાલમાં અમારી પાસે કોઈ રહેઠાણની જગ્યા ન હોય મજબૂરીથી ફૂટપાથ ઉપર સુવાનો વારો આવશે. નવસારી પાલિકા દ્વારા દિન-7માં મિલકત તોડવાની નોટીસ આપવામાં આવી છે તે ગેરકાયદે છે. અહીં ઘણી સોસાયટી છે અને તેમના માટે બીજો રસ્તો પસાર થવા માટે ન હોય તેમાં આ ત્રણ ઝૂંપડાઓ રસ્તા માટે વિઘ્નરૂપ હોય તેમને હેરાન કરી રહ્યા હોય તે અંગે અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

ટીપી સ્કીમનું ખોટુ બહાનુ બતાવીને કાયદાનો દુરુપયોગ
નવસારી પાલિકા દ્વારા આસપાસના સોસાયટીવાળાના મેળાપીપણામાં ટીપી સ્કીમનું ખોટુ બહાનુ બતાવીને કાયદાનો દુરુપયોગ કરી રહી છે. અહીંના સોસાયટીના રહીશોને બીજો રસ્તો અમારા ઘર પાસેથી જોઈએ છે પરંતુ તેમના માટે નવસારી પાલિકા દ્વારા બીજો રસ્તો બનાવી આપ્યો છે જે અંગે ખાતાકીય તપાસ કરવા જણાવ્યું હતું. - અસરગ્રસ્તો

તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે
દેવીનાપાર્કમાં ત્રણ ઝૂંપડાવાસીઓ અંગેની ફરિયાદમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. - કમલેશ રાઠોડ, નિવાસી અધિક કલેકટર