13 December 2018

પૂર્ણા નદીમાં યુવતીએ ઝંપલાવ્યું પરંતુ કાદવમાં પડતાં બચી ગઇ


નવસારીની વિરાવળ ખાતે આવેલા પૂર્ણા નદીમાં મોડી સાંજે એક યુવતીએ ઝંપલાવ્યું હતું. જોકે તેણી ઉંડા પાણીને બદલે કાદવમાં પડતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે લોકો ઘટનાસ્થળે ધસી ગયા હતા. આ ઘટનાને લઈ થોડોક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

નવસારીની પૂર્ણા નદીમાં બુધવારે મોડી સાંજે સુરત તરફના રોડ તરફથી આવીને એક અજાણી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી દીધુ હતું. અજાણી યુવતી નદીમાં પડતા હોહા થઈ જતા પસાર થતા વાહનચાલકોએ યુવતીને બચાવવા માટે કોશિશ કરતા હતા ત્યારે વિરાવળના હળપતિવાસ ખાતે રહેતા યુવાનોએ જોતા યુવતી કાદવમાં પડી હતી. જેથી યુવાનોએ ત્યાં જઈને કાદવમાંથી બહાર કાઢી હતી અને તુરંત 181 અભયમ હેલ્પલાઈનને જાણ કરી હતી. જેથી તબીબ તથા કાઉન્સિલરને લઈને ઘટનાસ્થળે આવીને યુવતીનું નામ પૂછતાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું હતું. તેના નામ સરનામા પૂછતાં તે સુરત ખાતે બેગમપુરા વિસ્તારમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીનું જરૂરી કાઉન્સેલિંગ કરીને આ ઘટનાની નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

વિરાવળ નદીના પુલ ઉપર લોકો નદીમાં ઝંપલાવી ન શકે તે માટે સુરક્ષા જાળી લગાવવાનું આયોજન પણ કરાયું હતું પરંતુ પંચાયત અને પાલિકા દ્વારા તે બાબતે હજી સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. લોકોના હિત માટે આ સુરક્ષા જાળી લગાવાય એ અનિવાર્ય હોવાનું જણાય રહ્યું છે.