14 December 2018

SSVB કૌભાંડીઅોએ ક્રેડિટ સોસા.ના નામે પણ કરોડો ઉસેટી લીધા ત્યારે પોલીસ કેમ ન જાગી?


નવસારી જિલ્લામાં ૨૦૦ કરોડથી વધુના એસએસવીબી કૌભાંડમાં કૌભાંડીઅોએ વિજલપુર કો.અો. ક્રેડિટ સોસાયટીના નામે રીઝર્વ બેન્કના તમામ નિયમો નેવે મૂકીને સામાન્ય લોકોને ધીરાણ કરવા અને નાણાં જમા લેવા સહિતના કામો કરાતા હોવા છતાં આજ સુધી તેઅોને કોઇએ આંગળી અડાડી ન હતી, ત્યારે પોલીસ તથા અન્ય સબંધિત વિભાગોના આશીર્વાદ તેમના પર હોવાની આશંકા જાગી રહી છે.

એમ પણ ૨૦૦ કરોડથી વધુનું ફૂલેકુ ફેરવનારા ચાર મુખ્ય સૂત્રધાર પૈકી એક એવા વિનોદ રસાલની પત્ની વિજલપોર પાલિકામાં ભાજપની ચૂંટાયેલી સભ્ય છે, ત્યારે રાજકિય આશીર્વાદ આ કૌભાંડકારીઅોને મળ્યાની સ્હેજે જાગે છે. આ કૌભાંડકારીઅોએ વિજલપોર પીપલ્સ કો.અો.ક્રેડિટ સોસાયટીના નામે કૌભાંડીઅોએ નાણાં લેવાનું તથા સોના પર લોન આપવા સહિતના બેન્ક જેવી તમામ કામગીરી ચલાવી હતી. સોસાયટી હોવાને કારણે રજીસ્ટ્રારનું તેના પર નિયંત્રણ હોય છે, ત્યારે રજીસ્ટ્રારે તેના ઉપર કેવું નિયંત્રણ રાખ્યું એ પણ એક પ્રશ્ન છે. સહકારી ક્રેડિટ સોસાયટી તરીકે તેનું નામ છે, એ પછી આખા જિલ્લામાં એક બે નહીં ૨૦૦ કરોડ સુધીના રૂપિયા જમા થઇ ગયા ત્યાં સુધી સબંધિત તંત્રને તેની ગંધ આવી જ ન હોય એ બનવા જાગ નથી.

ખાસ કરીને પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચને પણ આટલા મોટા કૌભાંડની જાણ ન થાય એ તંત્રની લાપરવાહી હોવાનું પુરવાર કરે છે. અથવા એમ પણ બની શકે કે કૌભાંડીઅોએ પોલીસને પણ મેનેજ કરી લીધી હોય. ગુનો થાય એ પછી જ પોલીસ દોડતી થાય એ ફ્લ્મિ સ્ટાઇલ હજુ પણ યથાવત સ્થિતિ અહીં જાવા મળે છે.

સોના ઉપર લોન લેવાતી હતી
ક્રેડિટ સોસાયટીએ ઊંચા વ્યાજદર આપવાની લાલચે કેટલાય લોકોને રોકાણ કરાવ્યા હતા અને તે સાથે સાથે સોના ઉપર પણ લોન આપતી હતી. જોકે મૂડી કે સોનાનું શું થયું એ અંગે પણ હજુ કોઇ ચોક્કસ સ્થિતિ જાણવા મળતી નથી. પરંતુ આ સોસાયટી ઉપર પણ કોઇનું નિયંત્રણ હતું કે કેમ એ સવાલ જાગે છે. ક્રેડિટ સોસાયટી નોંધાયેલી હોય તો રજીસ્ટ્રારે શું ધ્યાન રાખ્યું એ સવાલ ઉઠે છે અને નહીં નોંધાયેલી હોય તો રજીસ્ટ્રારના નાક નીચે આટલું મોટું ફૂલેકુ કઇ રીતે ફરી ગયું એ પણ તપાસનો વિષય છે.

જિલ્લામાં આટલાં મોટો આર્થિક ગુનાનો પ્રથમ બનાવ
જિલ્લામાં આટલો મોટો આર્થિક ગુનો કદાચ, પહેલી વખત થયો છે, ત્યારે તંત્રની લાપરવાહી પણ બહાર આવી છે. હવે જયારે વિજય માલ્યાને વિદેશથી લાવવાનો પ્રયાસ મોદી સરકાર કરીને આર્થિક ગુનેગારોને યોગ્ય સજા થાય એ માટે તનતોડ પ્રયાસ કરી રહી છે, એ સમયે નવસારી જિલ્લા પોલીસ તથા આર્થિક બાબતો સાથે સંકળાયેલું તંત્ર શું પગલાં ભરે છે, તેના ઉપર સૌની નજર છે.