14 December 2018

પવનો ફૂંકાતાં નવસારી ઠંડુંગાર, તાપમાન 11.8 ડિગ્રી


નવસારીમાં બુધવારે કમોસમી વરસાદ બાદ ગુરૂવારે વાતાવરણમાં પણ તેની માઠી અસર જોવા મળી છે. નવસારીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને 6.4 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી ઠંડીનું મોજુ ફરી વળતા લોકોના ઉપર પણ તેની અસર વર્તાઈ હતી. લીલીના ફુલના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાતા ઠંડીની અસર તેના ઉપર પણ જોવા મળી હતી.

નવસારીમાં છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં ગરમીનો મહત્તમ પારો 30થી 31 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે લઘુત્તમ તાપમાન 10.5થી લઈ 13.9 ડિગ્રી સુધી નોંધાયું છે. ગતરોજ નોંધાયેલા મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રીની જગ્યાએ ગુરૂવારે તેમાં અંદાજિત 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુરૂવારે મહત્તમ તાપમાન 29.5 ને લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું.

જેના પગલે નવસારીમાં ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 95 ટકા અને સાંજે 29.5 ટકા સુધી નોંધાયું હતું. તેની સાથે 6.4 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ઉત્તરથી પશ્ચિમ દિશામાં ફૂંકાતા ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને તેની અસર લોકો ઉપર જોવા મળી હતી. ગુરૂવારે સાંજે ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ તાપણુ ઉપરાંત ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

જોકે શિયાળાની ઋતુમાં થતા ફળફળાદિ ઉપર તેની સારી અસર હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું હતું પરંતુ જો ફરીથી મા‌વઠુની સ્થિતિ સર્જાય તો પાક ઉપર તેની જીવાત કે ફૂગજન્ય રોગોનો સામનો કરવો પડી શકે છે. હાલ નવસારી ઠંડુગાર બનતા મોડી સાંજે લોકોએ બહાર હરવા-ફરવાનું ટાળ્યું હતું અને તાપણાનો આનંદ લૂંટ્યો હતો.

લીલીના ફૂલનું માર્કેટ વધ્યું પરંતુ ઉત્પાદન ઘટ્યું
નવસારી જિલ્લામાં ફૂલોની ખેતી પૈકી લીલીના કરનારો ખેડૂતવર્ગ ઘણો મોટો છે. શિયાળાની સાથે છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું મોજુ ફરી વળતા લીલીના ફુલ નીકળતા બંધ થયા છે. લીલીના ફુલનું ઉત્પાદન ઘટતા જ આ ફુલના માર્કેટમાં તેજી આવી છે. 1000 નંગ ફુલનો ભાવ રૂ. 25થી 50 સુધી આવતો હતો તે હવે રૂ. 250થી 300 ઉપર પહોંચી ગયો છે. ઠંડીની અસર લીલીના ફુલના ઉત્પાદન પર જોવા મળી હતી. હાલ લીલીના ફુલનું માર્કેટ મુંબઈ અને તે પછી સુરત છે. - કિરણભાઈ પટેલ, ખેડૂત અગ્રણી, અડદા

ફળનો પાક લેતા ખેડૂતોએ ઠંડીમાં પણ સાવધ રહેવું જરૂરી છે
ઠંડીને કારણે કેરીને ફાયદો થશે. ઉપરાંત સિઝનના ફળફળાદિમાં પણ તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે પરંતુ વધારે પડતુ ધુમ્મસ કે માવઠાથી સૌથી માઠી અસર કેરીના પાકને જ થવાની ભીતિ છે. એટલે ખેડૂતોએ સાવધ રહેવું જરૂરી છે અને તે માટે જરૂરી દવાનો છંટકાવ પણ કરવો પડશે. - ડો.બી.એન. પટેલ, કૃષિ તજજ્ઞ, નવસારી કૃષિ યુનિ.

નવસારી તાપમાન