18 December 2018

વિજલપોર પીપલ્સ ક્રેડીટ સોસા.ની ઓફિસ બંધ રહેતા લોકોમાં ફફડાટ


વિજલપોરમાં કાર્યરત અને નાણાંનો વ્યવહાર કરતી ધી વિજલપોર પીપલ્સ કો.ઓ ક્રેડીટ સોસાયટી લી.ની ઓફિસ કેટલાક દિવસોથી બંધ જોવા મળી રહી છે અને લોકોનાં નાણાં સલવાયા હોવાનું જાણવા મળે છેે. જિલ્લા સહકારી રજીસ્ટ્રારે તો ‘વહીવટદાર’ મૂક્વા અંગે શોકોઝ નોટિસ પણ ફટકારી દીધી છે.

વિજલપોરમાં વિઠ્ઠલમંદિર ખાતે ઓફિસ ધરાવતી કામકાજ કરતી ધી વિજલપોર પીપલ્સ કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી.તા.30.8.2001 થી રજીસ્ટ્રેશન થયેલી છે. છેલ્લાં ઘણા સમયથી વિજલપોર પીપલ્સની સ્થિતી કથળી છે અને કેટલાય દિવસોથી તો તેની ઓફિસ પણ બંધ થયેલી જણાય છે. મળતી માહિતી મુજબ તેમાં મુકેલા ઘણા લોકોનાં નાણાં હાલ સલવાઇ ગયા છે. ચોક્કસ કેટલા લોકોનાં કેટલા નાણાં સલવાયા છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ બેંકની કથળેલી સ્થિતિને જોતાં હવે સરકારી તંત્રે પણ હસ્તક્ષેપ કર્યો છે.

મળતી માહિતી મુજબ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નવસારીએ ધી વિજલપોર પીપલ્સ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.ને શોકોઝ નોટિસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે, સંસ્થાની નાણાંકીય સ્થિતિ કથળેલી છે અને તેના કારણે થાપણદારો તેમજ ઓવરડ્રાફ્ટના નાણાં ચૂકવવામાં અસમર્થ થયેલ છે તેથી સંચાલકોને દૂર કરી ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961 ની કલમ 81 અન્વયે વહીવટદારની નિમણૂંક કેમ ના કરવી તેના ખુલાસા તથા આધાર પુરાવા સાથે રૂબરૂ સુનવણી અર્થે તા.18.12.2018 નાં રોજ હાજર રહેવું. અહીં ઉલ્લેખનીય છે કે ક્રેડીટ સોસાયટીની કચેરી બંધ હોય જિલ્લા રજીસ્ટ્રારની નોટિસ બંધ કચેરીએ ચોટાડવામાં આવી છે. આ સોસાયટી કેવી રીતે અને કયા સંજોગોમાં મુશ્કેલીમાં મુકાઇ એ હાલ મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

અગાઉ પણ નોટિસો અપાઇ હતી
વિજલપોર પીપલ્સ ક્રેટીડ સોસાયટીને ‘વહીવટદાર’ નિમવા નોટિસ તો હાલ જ અપાઇ છે પરંતુ બેંકની સ્થિતિ અંગે અગાઉ પણ ફરિયાદો મળતા નોટિસો આપી જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ ખુલાસાઓ માંગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નાણાંકીય તથા અન્ય સ્ટેટસ શું છે?
વિજલપોર પીપલ્સ ક્રેડીટ સોસાયટીનું હાલનું નાણાંકીય અને અન્ય સ્ટેટસ શું તે ચોક્કસ જાણવા મળેલ નથી કારણ કે 2017-18 નો અહેવાલ બહાર આવ્યો નથી. જોકે 2016-17 નાં અહેવાલ મુજબ 6.21 કરોડની થાપણ અને 5.95 કરોડ ધિરાણ દર્શાવાયું છે. સભાસદ સંખ્યા 7147 દર્શાવાઇ છે. મહત્વની વાત એ છે કે 2015-16 માં ઓડિટવર્ગ અ બતાવાયો હતો.

SSVBના સંચાલકો ક્રેડિટ સોસાયટીના ડિરેકટર
વિજલપોર પીપલ્સ ક્રેડીટ સોસાયટીને હાલમાં જ મુશ્કેલીમાં મુકાયેલ વિજલપોરમાં જ મુખ્ય કાર્યાલય ધરાવતી SSVB સાથે સંબંધ હોવાનું જણાય છે. બંનેની ઓફિસ પણ વિજલપોરમાં નજીક નજીક જ છે. SSVB નાં ગુનામાં પોલીસે ધરપકડ કરેલ સંચાલકો શ્રીરંગ પોળ, બાલુ નંગી, વિનોદ રસાળ અને મંગેશ મોરે વિજલપોર પીપલ્સ ક્રેડીટમાં પણ ડિરેક્ટર (વ્યવસ્થાપક કમિટીનાં સભ્યો) છે. આ ડિરેક્ટરમાંથી કેટલાકની રાજકીય ઘનિષ્ટતા પણ ચર્ચાઇ રહી છે.

હાલ સાંભળવાની તક અપાઇ છે
વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લી. નાં નાણાં બાકી છે અને તેમની વહીવટદાર મુકવાની ભલામણ આવતા ક્રેડીટ સોસાયટીને નોટિસ આપી છે. લોકોનાં નાણાં ચોક્કસ કેટલા બાકી છે તે હાલ કહી શકાય એમ નથી. પ્રથમ તો નોટિસ આપી સોસાયટીનાં સંચાલકોને સાંભળવાની તક અપાઇ છે, બાદમાં આગળની કાર્યવાહી કરાશે. એસ.આર.પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર, નવસારી