19 December 2018

સ્વચ્છતાના કાર્યક્રમમાં નાનાં બાળકોને ઠંડીમાં ખુલ્લા બ્લોક પર નીચે બેસાડાયા


નવસારીમાં સ્વચ્છતા રથના આગમનના કાર્યક્રમમાં પાલિકાની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને શિયાળામાં ખુલ્લી જમીન ઉપર નીચે બેસાડતા વિવાદ થયો હતો. પાલિકાનાં વિપક્ષી સભ્યએ નારાજગી ઉઠાવી રજૂઆત કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓને ખુરશી ઉપર બેસાડાયા હતાં.

વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા શહેરોને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2019 શરૂ થયું છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સરકાર ‘સ્વચ્છતા રથ’ શહેરોમાં ફેરવી રહી છે. એક રથ ભરૂચથી નીકળી વિવિધ શહેરોમાંથી પસાર થઇ નવસારી આવ્યો હતો. નવસારીમાં આવેલ રથને લુન્સીકુઇ વિસ્તારથી પ્રસ્થાન કરાવાયું હતું. આ રથ નવસારી પાલિકા પટાંગણમાં આવતા પાલિકા પ્રમુખ કાંતીભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ સ્વાગત કર્યુ હતું. જોકે પાલિકા પટાંગણના કાર્યક્રમમાં હાજર રખાયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓની સ્થિતિએ ઘણાનું ધ્યાન દોર્યુ હતું. વિદ્યાર્થીઓને 9.30 વાગ્યાનાં પાલિકા કચેરી લાવી દેવાયા હતાં. બાદમાં તેઓને ખુરશી યા પાથરણા ઉપર તો નહીં બેસડાયા પરંતુ શિયાળાની ઠંડીમાં ખુલ્લા બ્લોક ઉપર બેસાડાયા હતાં.

ઘણા કાઉન્સીલરો ગેરહાજર
સ્વચ્છતા રથનો કાર્યક્રમ સરકારનો હતો અને સરકાર સ્વચ્છતા ઉપર હાલ સૌથી વધુ ભાર મૂકી રહી છે ત્યારે નવસારી પાલિકા પટાંગણમાં આયોજીત કાર્યક્રમમાં ઘણા કાઉન્સીલરો અને શાસક પક્ષના હોદ્દેદારો પણ ગેરહાજર જોવા મળ્યા હતાં. જોકે પ્રમુખ કાંતિભાઇ પટેલ સહિતના કેટલાક કાઉન્સીલરો જરૂર હાજર રહ્યાં હતાં.

શરમજનક ઘટના કહેવાય
નગરપાલિકા જ્યારે કાર્યક્રમો પાછળ ઘણા નાણાં ખર્ચે છે. ત્યારે બાળકોને પાથરણાં ઉપર પણ ન બેસાડાય એ શરમજનક બાબત કહેવાય! બાળકો દેશનું ભાવિ છે. તેમની સાથે ઓરમાયું વર્તન ન કરાયા તેમની માનસિકતા ઉપર અસર થાય છે. બાળકો માટે 300 ખુરશી લવાઇ હતી એ વાત ખોટી છે. - પિયુષ ઢીંમ્મર વિપક્ષી સભ્ય, નવસારી પાલિકા.

અમારી ગેરહાજરીમાં બન્યું
સ્વચ્છતા રથના લુન્સીઇનાં કાર્યક્રમમાં અમે હતા ત્યારે બાળકો પાલિકા પટાંગણમાં નીચે બેસી ગયા હતાં. જોકે અમે પાલિકામાં આવતા જોતાં બાળકોને ખુરશી ઉપર બેસાડ્યા હતાં. 300 થી 350 ખુરશી બાળકો માટે જ હતી. મોટેરાંઓ તો ઓછા હતાં. - હિંમતભાઇ પટેલ ચેરમેન, સેનેટરી કમિટી, નવસારી પાલિકા.