20 December 2018

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો, આગામી દિવસોમાં ઠંડી રહેશે


નવસારી પંથકમાં બુધવારે સવારે તાપમાન 9 ડીગ્રી નોંધાતા ઠંડીમાં ભારે વધારો થયો હતો. વર્તમાન મોસમમાં આ સૌથી ઓછું તાપમાન હતું.

નવસારીમાં છેલ્લાં એકાદ મહિનાથી ખાસ કરીને સવારનાં સમયે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. જોકે સવારનાં સમયે તાપમાન એકસરખું રહ્યું નથી. ત્રણ-ચાર દિવસે તાપમાનના પ્રમાણમાં ફેરફાર (3 થી 4 ડીગ્રીનો) થતો આવ્યો છે. જે અંતર્ગત સોમવારે 16 ડીગ્રીનું નોંધાયું હતું, જેમાં ભારે ઘટાડો થઇ મંગળવારે 11.5 ડીગ્રી થઇ ગયું હતું. આજે બુધવારે તો સવારે તાપમાનનો પારો વધુ 2.5 ડીગ્રી નીચે ઉતરી 9 ડીગ્રીએ જ પહોંચી ગયો હતો.

સવારે તાપમાન 10 ડીગ્રીથી નીચે 9 ડીગ્રીએ જતાં ઠંડીના પ્રમાણમાં ભારે વધારો થયો હતો. વહેલી સવારે અવારનવાર કરતા મોટેભાગના લોકોએ ગરમવસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, આજે 19 મીનાં રોજનું તાપમાન વર્તમાન શિયાળાની મોસમનું સૌથી ઓછું હતું.

આ પહેલાં 9 મી ડિસેમ્બરનાં રોજ 10.5 ડીગ્રી તાપમાન સવારે રહ્યું હતું. જ્યાં સવારે તાપમાન ઘટ્યું ત્યાં બુધવારે બપોરનાં સમયે તાપમાન વધી 30 ડીગ્રી (મંગળવારે 29.2 ડીગ્રી) થઇ ગયું હતું. જેથી બપોરે ઠંડક ઓછી થઇ હતી. હવામાં ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને બપોરે 45 ટકા રહ્યું હતું. સવારે ભેજના પ્રમાણમાં સાધારણ વધારો થયો હતો. દિવસ દરમિયાન પવન 5.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પૂર્વ દિશાએ ફૂંકાયો હતો

હવે આંબા ઉપર ‘મોર’ ફૂટશે
નવસારી જિલ્લામાં ખેડૂતો કેરીનો પાક મોટા પ્રમાણમાં લે છે. જોકે હજુ સુધી મહત્તમ ખેડૂતોના આંબા ઉપર મોર (આમ્રમંજરી) જોવા મળી નથી. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરાએ જણાવ્યું કે, ઠંડી પડતા મોરનો ફુટ સારો આવે છે. હવે ઠંડી શરૂ થતા આંબા ઉપર ફૂટ પણ થશે. આમ પણ આપણે ત્યાં મોરની ફુટ ડિસેમ્બર મહિનાનાં અંતથી જ વધુ થાય છે.

હાલ ઠંડીનું પ્રમાણ રહેશે
વેસ્ટર્ન ડિસ્ટબન્સ’ ને કારણે ઉત્તર ભારતમાં બરફની વર્ષા થઇ છે. જેની અસરના ભાગરૂપે જ નવસારી પંથકમાં પણ તાપમાનમાં ઘટાડો થઇ ઠંડીમાં વધારો થયો છે. જે પ્રમાણે હવામાનની સ્થિતિ છે તે જોતાં આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનું પ્રમાણ લગભગ યથાવત (9 ડીગ્રીની આસપાસ) રહેશે. જોકે બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થશે નહીં. ડો.નિરજકુમાર હવામાન શાસ્ત્રી, કૃષિ યુનિ. નવસારી

વધુ ઠંડીમાં આ કાળજી રાખવી
આમ તો ઠંડીની મોસમ ‘હેલ્ધી’ કહેવાય છે પરંતુ વધુ ઠંડીમાં સિકલસેલના દર્દી, વૃધ્ધ, નાના બાળકોએ વધુ કાળજી લેવી જોઇએ. ઠંડીના કારણે સિકલસેલના દર્દીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટે છે. એવું જ વૃધ્ધોમાં થાય છે માટે તકેદારી રાખવી જોઇએ. બને તેટલું શરીર ગરમ વસ્ત્રોથી ઢાંકેલું રાખવું, તાપણું કરવું, ઉકાળા પીવા જોઇએ. ડો.મેહુલ ડેલીવાલા, આરોગ્ય અધિકારી, નવસારી